• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

જાલીનોટની દાણચોરી મામલે પટણા ડીઆરઆઇ દ્વારા ગાંધીધામમાં કાર્યવાહી

ગાંધીધામ, તા. 12 : શહેરના રેલવેમથક સામે પટણા ડી.આર.આઇ.એ નોટ ભરેલા થેલા સાથે પકડાયેલા બે શખ્સ અંજારના અને એકના ત્રણગણા કરવાની લાલચ આપી છેતરપિંડી કરવાવાળી ટોળકી નીકળી હતી. પટણા ડી.આર.આઇ.ને એફ.આઇ.સી.એન.ની દાણચોરી સંબંધિત માહિતીના આધારે આ ટીમ ગઇકાલે ગાંધીધામ ધસી આવી હતી અને રેલવેમથક સામે કારમાંથી બે શખ્સને નોટના બંડલ સાથે પકડી પાડયા હતા, જે અંગે આજે શહેરના બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારમાં રહેતા મુસ્તાક કાસમ શેખ અને અલ્તાફ હુસેન કાસમશા શેખને હેમલાઇ ફળિયામાં બાપુની ચાની હોટલે વીસેક દિવસ પહેલાં ભુજનો તેમનો મિત્ર રમજુ કાસમશા શેખ મળ્યો હતો અને એક પાર્ટી આવવાની છે, આપણે નકલી કોરી નોટના બંડલ આપી 10 લાખ લેવાના છે. હું તમને 20-20 હજાર આપીશ તેવી વાત કરી હતી. બાદમાં ગઇકાલે આ ત્રણેય બે કાર લઇને ગાંધીધામ આવ્યા હતા. રમજુએ રેલવે મથક પાસે પોતાની ક્રેટા કારમાં પહોંચી એક દુકાનનો ફોટો મુસ્તાક, અલ્તાફને મોકલી પાર્ટી આવશે, તમે કોરા કાગળવાળા બંડલ આપીને તરત નીકળી જજો તેમ કહ્યું હતું. બાદમાં રમજુએ ફોન કરી કેબિન આગળ એ માણસો થેલા સાથે ઊભા હશે તે આપણી પાર્ટી છે, બંડલો આપી દેજો તેમ કહ્યું હતું. ત્યાં ઊભેલા બે લોકોને આ શખ્સો કોરા કાગળવાળા બંડલ આપવા જતાં બંનેને સ્વીફ્ટ કાર સાથે ડી.આર.આઇ. પટણાએ પકડી પાડયા હતા અને ગાંધીધામ ડી.આર.આઇ.ની કચેરીએ લઇ ગયા હતા. આ પ્રકરણમાં બી-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હાથમાં ન આવેલા રમજુને પકડી પાડવા આગળની કવાયત હાથ ધરી છે. 

Panchang

dd