• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

વરસામેડીમાં ઘરે આવેલા કિન્નરે કર્યો 3.06 લાખનો હાથફેરો

ગાંધીધામ, તા. 19 : અંજારના વરસામેડીની સોસાયટીમાં ઘરે આવેલા કિન્નરે રૂમમાં કપડાં બદલવાનું બહાનું કરી રૂમમાંથી રોકડ રૂપિયા તથા દાગીના એમ કુલ રૂા. 3,06,000ની મતાની તફડંચી કરી હતી. વરસામેડીના કેશવનગર મકાન નંબર 21માં ગત તા. 8-12નાં બપોરથી સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. અગ્રવાલ ટિમ્બરમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતા તથા અહીં રહેતા રાજેશ સત્યવીર શર્માએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ આધેડ ફરિયાદીનો પુત્ર, પુત્રવધૂ, પૌત્ર, પત્ની હરિયાણા ગયા હતા ત્યાંથી બનાવના દિવસે પરત ફર્યા હતા. ત્યારે બપોરે તેમના ઓળખીતા રાજસ્થાનના કિન્નર પૂજાદેનો ફોન આવ્યો હતો, પોતે ગાંધીધામ આવ્યા છે અને તમારા ઘરે આવું છું. તેમ કહી આ કિન્નર તથા સહિલ નામનો શખ્સ ત્યાં કારથી આવ્યા હતા. ફરિયાદી બપોરે કામે નીકળી ગયા હતા, ત્યારે ફરિયાદીના પત્ની અને અન્ય મહિલાઓ ઘરની લોબીમાં સ્પીકર ચાલુ કરી ડાન્સ કરી રહ્યાં હતાં ફરિયાદીનો દીકરો તથા સાહિલ અન્ય રૂમમાં બેઠા હતા. ત્યારે કિન્નર પુજાદેએ કપડા બદલવાના બહાને બે-ત્રણ વખત અન્ય રૂમમાં ગયો હતો. અહીંથી તેણે હાથ ફેરો કર્યો હતો. આ કિન્નરે ફરિયાદીના પત્ની તથા પુત્રવધુના પર્સમાંથી રોકડ રૂા. 25,000 તથા સોનાની પાંચ વીંટી, સોનાનું મંગળ સુત્ર, કાનમાં પહેરવાના ઝુમખા, કાનમાં પહેરવાના ડાયમન્ડવાળી ઝુમખા, નાકમાં પહેરવાની બાલી નંગ-પાંચ, ચાંદીના સાંકળા જોડી નંગ-બે, ચાંદીની વીંટી નંગ-ચાર, ચાંદીની ચેઇન એમ કુલ્લ રૂા. 3,06,000ની મતાની તસ્કરી કરીને નંબર પ્લેટ વગરની લાલ રંગની કાર લઇને બંને નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd