• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

ફાચરિયાની ખાણમાં વીજચોરીના કેસમાં આરોપીને ત્રણ વર્ષની કેદ

ભુજ, તા. 15: ચારેક વર્ષ પૂર્વે મુંદરાના ફાચરિયામાં વીજચેકિંગ દરમ્યાન ખાણમાં થતી વીજચોરી ઝડપાઈ હતી. આ કેસમાં આરોપી માંડણભાઈ રાણાભાઈ રબારીને ત્રણ વર્ષની સાદી કેદ તથા વીજબીલની રકમ રૂા. 14,90,594ની ત્રણગણી રકમ રૂા. 44,71,785નો દંડ અદાલતે ફટકાર્યો છે. આ કેસની ટૂંકી વિગત મુજબ ગત તાફ 6/12/21ના મુંદરાની પી.જી.વી.સી.એલ. વીજ કંપનીની ટીમે ફાચરિયામાં વીજચેકિંગ આદરતા ખાણમાં પાણી કાઢવાની મોટરમાં બીનઅધિકૃત રીતે વીજ જોડાણ લઈ રૂા. 14,90,594.74 પૈસાનો કુલ વપરાશ તથા કમ્પાઉન્ડીંગ ચાર્જ 95 હજારની વીજચોરીનો ગુનો આરોપી વિરુદ્ધ દાખલ કરાયો હતો. આ કેસ સ્પેશિયલ જજ (ઈલેક્ટ્રીસીટી) અને આઠમા અધિક સેશન્સ જજ તુષાર નીતિનભાઈ ખંધડિયાની કોર્ટમાં ચાલી જતા આરોપી માંડણભાઈ રબારીને તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સાદી કેદ તથા બીલની રકમની ત્રણગણી રકમ એટલે રૂા. 44,71,785નો દંડ અને આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદપક્ષ સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ પ્રવીણ વાણિયા હાજર રહી દલીલો કરી હતી.

Panchang

dd