ભુજ, તા. 2 : માનકૂવા
સીમ તેમજ આસપાસના વિસ્તારનાં ત્રણ ખેતરમાં દાડમનાં ઝાડને નિશાન બનાવી તસ્કરો પોણા
પાંચ ટન દાડમ જેની કિં. રૂા. 3.29 લાખ તથા એક ખેતરમાંથી સીસીટીવી
કેમેરાય ચોરી ગયાની ફરિયાદ નોંધાવી છે. આ ચોરી અંગે આજે માનકૂવા પોલીસ મથકે
માનકૂવા ખેડૂત લાલજીભાઈ કાનજીભાઈ વેલાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગામની સીમમાં
તેમનાં ખેતરમાં તેઓ દાડમની ખેતી કરે છે. ગત તા. 14/2ના ખેતરમાં બધું બરોબર હતું અને બીજા
દિવસે સવારે ત્યાં જતાં દાડમનો પાક ઓછો દેખાયો હતો. આથી અન્ય ખેડૂતોને બોલાવી
નિરીક્ષણ કરતાં દોઢેક ટન દાડમ ઓછાં દેખાયાં હતાં, ખેતર વચ્ચે લાકડાંના થાંભલા પર લગાવેલો
સીસીટીવી કેમેરા પણ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી ગયો હતો. આ ચોરી બાબતે ફરિયાદીએ
કિસાન સંઘ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરતાં ચર્ચામાં જાણવા મળ્યું કે, અશ્વિન ચંદુલાલ વેલાણીની નાગિયારી સીમની વાડીમાંથી તા. 1/3ના
રાત્રે દાડમનાં ઝાડ પરથી આશરે સવા ટન તેમજ સામત્રાની વાડીમાંથી 26/2ના
રાતે દાડમનાં ઝાડ પરથી આશરે બે ટન દાડમની ચોરી થયાની હકીકત સામે આવી હતી. આથી બધા ખેડૂતો
સાથે મળી આજે માનકૂવા પોલીસ મથકે આવી બધાનાં મળીને આશરે પોણા પાંચ ટન દાડમ જેની
કિં. રૂા. 3,29,000 અને નવ હજારનો સીસીટીવી કેમેરા એમ કુલ
રૂા. 3,38,000ના મુદ્દામાલની અજાણ્યા ચોર ઈસમ ચોરી
ગયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.