• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

ઓનલાઈન ઠગાઈમાં બેન્ક ખાતાના ગેરઉપયોગને લઈ વધુ ચાર ગુના દાખલ

ભુજ, તા. 15 : દેશનાં વિવિધ રાજ્યોમાં થયેલી ઓનલાઈન છેતરપિંડીનાં નાણાં કચ્છના વિવિધ ખાતાધારકોના ખાતામાં આવ્યા હોવાથી થોડા દિવસોથી આ અંગે ફરિયાદો દાખલ થઈ રહી છે, ત્યારે આ વધુ ચાર ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. નોંધનીય છે કે, આ ચારે ફરિયાદમાં આરોપી તરીકે અગાઉ આવા કિસ્સાના આરોપી રહી ચૂકેલા સામે જ ગુના નોંધાયા છે.

દોસ્ત દોસ્ત ના રહા

ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે હરદીપસિંહ કુમારસિંહ પઢિયારે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી શુભમ જાટ (રહે. કોડકી રોડ, ભુજવાળો) અને તે ધો. 1થી 10 સુધી ભણ્યા હોવાથી મિત્ર છે. સાત-આઠ મહિના પહેલાં શુભમે ધંધા માટે બે લાખ માગ્યા હતા અને એક મહિનામાં આપવા જણાવ્યું હતું. આથી ફરિયાદીએ લોન લઈ બે લાખ શુભમને આપ્યા હતા. એકાદ માસ બાદ આ ઉધારનાં નાણાં પાછાં માગતાં બે દિવસ દરમયાન ટુકડે-ટુકડે ગૂગલ પેથી ફરિયાદીના ખાતામાં રૂા. 67 હજાર જમા કરાવડાવ્યા હતા અને એક લાખ શુભમે ફરિયાદીના ખાતામાં મોકલાવી બાકી રૂા. 33 હજાર પાછળથી મોકલાવી દઈશ તેવું જણાવ્યું હતું. દોઢ માસ પૂર્વે ફરિયાદીનું બેન્ક ખાતું ફ્રિઝ થતાં તેણે બેન્કમાં તપાસ કરતાં અને સાયબર સેલમાંથી વિગતો મળી કે, ટુકડે-ટુકડેથી ગૂગલ પેથી આવી રકમો ઓનલાઈન ઠગાઈની હતી. આમ આરોપી શુભમે તેની સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ  નોંધાવી છે. શુભમ સામે આવી ફરિયાદ થોડા દિવસો પૂર્વે જ નોંધાઈ ચૂકી છે.

મારા ખાતાની લિમિટ પૂરી, મારો મિત્ર તારા ખાતામાં રૂપિયા નાખશે

એ-ડિવિઝન પોલીસ મથકે, સંજોગનગરમાં રહેતા સલીમ મોહંમદહુસેન ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 9/6ના આરોપી મોહંમદ મણિયાર (રહે. શાંતિનગર, ભુજવાળો) રૂબરૂ મળ્યો હતો અને જણાવ્યું કે, મારા બેન્ક ખાતાની લિમિટ પૂરી થઈ ગઈ છે, મારો મિત્ર તારા ખાતામાં રૂપિયા નાખશે, તું કઢાવી આપજે, આથી 48,000 ખાતામાં આવતાં અને બંને સાથે જઈ એટીએમથી 48 હજાર કાઢી તેને આપી દીધા હતા. આ બાદ મારું ખાતું ફ્રિઝ થતાં તપાસ કરી તો જાણવા મળ્યું કે, આવેલા 48 હજાર અંગે બિહારમાં ઓનલાઈન ઠગાઈની ફરિયાદ થઈ છે, જે મારા ખાતામાં આવ્યા હતા. આથી મોહમ્મદ અને તપાસમાં જે નીકળે તેની સામે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે.

છેતરપિંડીના 9.90 લાખ બે ખાતામાં આવ્યા

માધાપર પોલીસ મથકે સાયબર સેલે આરોપી કમલેશકુમાર ઉદેસિંહ ડાભી (રહે. ભુજ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમન્વય પોર્ટલથી મ્યુલ એકાઉન્ટની વિગતો ચકાસતાં આરોપી કમલેશકુમારના માધાપરની બે જુદી-જુદી બેન્કના ખાતામાં તા. 27/3થી 9/4 દરમ્યાન કુલ રૂા. 9,90,000નું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ નાણાં જુદા-જુદા રાજ્યોમાં થયેલી ઓનલાઈન ઠગાઈના હતા, તેની સંડોવણી ખૂલતાં આઈટી એક્ટ સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવાયો છે.

ઈન્દ્રગિરિને દિક્ષિત કમિશન આપતો'તો

આવા બનાવોને લઈને નખત્રાણા પોલીસ મથકમાં વધુ એક ગુનો દાખલ થયો છે. સાયબર સેલે આરોપી ઈન્દ્રગિરિ ઉર્ફે પપ્પુ કિશોરગિરિ ગોસ્વામી (ગાંધીધામ, મૂળ જોધપુર) અને દિક્ષિત ઉર્ફે ખન્ના સામે નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ ગત તા. 1-1-25થી 30-6-25 દરમ્યાન ઈન્દ્રગિરિના જુદી-જુદી બેન્કના ખાતામાં ઓનલાઈન ઠગાઈના રૂપિયા જમા થયા હતા. પોતે બેરોજગાર હોઈ તેણે આરોપી દિક્ષિત ઉર્ફે ખન્ના (રહે. જોધપુરવાળા)ના કહેવાથી અલગ-અલગ બેન્કમાં ખાતા ખોલાવ્યા હતા. બેન્કમાં ઠગાઈના જમા થયેલાં નાણાં ચેક તથા અન્ય રીતે કાઢી આપતો હતો અને દિક્ષિત તેને કમિશન આપતો હતો. નોંધનીય છે કે, આરોપી ઈન્દ્રગિરિને પોલીસે જોધપુરથી ઝડપી લીધા બાદ તેની પાસેથી મળેલી વિગતોના આધારે આ મુજબ ગુનો દાખલ થયો છે.

Panchang

dd