ગાંધીધામ, તા. 15 : શહેરના
મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સરસ્વતી શાળા પાછળ આવેલાં એક મકાનનાં તાળાં
તોડી નિશાચરોએ રૂા. 1,96,000ની
મતાની તફડંચી કરી હતી. શહેરમાં સરસ્વતી શાળા પાછળ મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં
ગત તા. 12/12ની રાત્રે
2.30થી 3.15ના
અરસામાં પોણા કલાક દરમ્યાન આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો. પાણીપુરીની લારી ચલાવતા
ફરિયાદી આધેડ એવા પ્રકાશ તુલસીરામ પ્રજાપતિની દીકરી શીતલના તા. 12/12ના લગ્ન હતાં. આ લગ્નપ્રસંગ કાંજાણી હોલમાં યોજવામાં
આવ્યો હતો. પરિવાર આ લગ્નપ્રસંગમાં હતો ત્યારે ફરિયાદીનો પુત્ર અને ઉમાશંકર તેમના ઘરે
કપડાંનો થેલો લેવા ગયા હતા. બાદમાં તેમનો પુત્ર અનિલ અને તેની પત્ની ઘરે કપડાં બદલવા
જતાં ઘરનાં તાળાં તૂટેલાં હતાં. તેણે ફરિયાદીને જાણ કરતાં બધાં ઘરે દોડી આવ્યા હતા.
ઘરમાં સરસામાન વેર-વિખેર હતો અને તિજોરી તૂટેલી હતી. તિજોરી પાસે લોખંડનું પાનું નજરે
પડયું હતું. આ તિજોરીમાંથી સોનાની આઠ વીંટી, સોનાનાં બે મંગળસૂત્ર, સોનાની માળામાં સોનાનાં પેન્ડલ નંગ-સાત, સોનાની એક ચેન,
ચાંદીના બે કંદોરા, ચાંદીની લક્કી તથા લગ્ન માટે
રાખેલા રોકડ રૂા. 85,000 એમ
કુલ રૂા. 1,96,000ની મતા ઉસેડીને નિશાચરો નાસી ગયા હતા. આ બનાવમાં કોઈ જાણભેદુ
હોવાની શંકાના આધારે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.