ગાંધીધામ, તા. 13 : રાપર
તાલુકાના રામવાવની વાડીમાં એરંડાના પાકમાંથી પોલીસને દારૂ મળ્યો હતો. આ વાડીમાંથી રૂા.
4,35,840નો શરાબ જપ્ત કરાયો હતો. જો કે, આરોપી ગેરહાજર મળ્યો હતો. રામવાવથી ભરુડિયા જતાં નર્મદા કેનાલ પાસે સાયરા વાડીવિસ્તારમાં
આવેલી એક વાડીમાં આજે સાંજે પોલીસે પૂર્વ બાતમીના આધારે છાપો માર્યો હતો, પરંતુ પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં આરોપી લખુભા મંગળસિંહ રાઠોડ નામનો શખ્સ
વાડીમાંથી સરકી ગયો હતો. અહીં આવેલી પોલીસે ઓરડીમાં તપાસ કરતાં કાંઈ મળ્યું નહોતું.
દરમ્યાન એરંડાના પાકમાં તપાસ કરાતાં દારૂની પેટીઓ મળી આવી હતી. પાકમાં જુદી-જુદી જગ્યાએ
રાખેલી પેટીઓ પોલીસે એકત્ર કરી હતી. અહીંથી એવરગ્રીન રિઝર્વ વ્હીસ્કી 750 એમ.એલ.ની 80 બોટલ, નોબેલ નેક્ટર વ્હીસ્કી 180 એમ.એલ.ના
48 ક્વાર્ટરિયા, રોયલ બ્લૂ વ્હીસ્કી 180 એમ.એલ.ના 144 ક્વાર્ટરિયા
અને સ્વિટહાર્ટ ઓરેન્જ ક્લાસિક વોડકાના 180 એમ.એલ.ના
845 ક્વાર્ટરિયા એમ 1117 બોટલ, ક્વાર્ટરિયા કિંમત રૂા. 4,35,840નો
શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. ફોર સેલ ઈન મહારાષ્ટ્ર અને ગોવા લખેલો આ માલ ક્યાંથી ? કેવી રીતે આવ્યો હતો, તે આ શખ્સ પકડાયા બાદ બહાર આવે
તેમ હોવાનું પોલીસે જણાવ્યું હતું.