ભુજ, તા. 13 : દેશભરમાં
ઓનલાઈન છેતરપિંડીના બનાવો વધ્યા છે, ત્યારે અલગ-અલગ રાજ્યોમાં થયેલી આવી
ઠગાઈનો રેલો ભુજ સુધી પહોંચ્યો છે. મ્યુલ એકાઉન્ટની છાનબિનમાં ભોપાળું સામે આવ્યા બાદ
આવો પથારો વધુ વધ્યો છે અને બે દિવસ દરમ્યાન ભુજના પોલીસ મથકમાં ખાતાના દૂરુપયોગની
સાત ફરિયાદ નોંધાઈ છે. આમાં અમુક ફરિયાદ જે-તે ખાતાધારક જ તેના સાથે વિશ્વાસઘાત થયાની
તો અમુક પોલીસ ફરિયાદી બન્યા છે. આમાં અમુક આરોપી સામે એક કરતાં વધુ ફરિયાદ નોંધાયાનું
પણ સામે આવ્યું છે.
દેશના
અલગ-અલગ રાજ્યોમાં થયેલી ઓનલાઈન છેતરપિંડીનાં નાણાં ભુજની વિવિધ બેન્કના ખાતાધારકોમાં
જમા થયાના પર્દાફાશ બાદ આ પ્રકરણનો પથારો વધુ હોવાનું સામે આવ્યું છે. ભુજના એ અને
બી-ડિવિઝન પોલીસ મથકે ગઈકાલ અને આજે મળીને આવી કુલ સાત ફરિયાદમાં કુલ મળીને 54.78 લાખનું ટ્રાન્ઝેક્શન ઠગાઈ થયાનો આંક સામે આવ્યો છે.
આજે
એ-ડિવિઝન પોલીસ મથકે ભુજની જૂની રાવલવાડીમાં રહેતા રવિનાબેન કિશોરભાઈ રાઠોડે તેના ધરમના
ભાઈ ધનંજય શૈલશભાઈ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 25/3ના ધનંજયે ફરિયાદીને જણાવ્યું કે, મારા બેન્ક ખાતામાં પૈસા આવવામાં મુશ્કેલી થાય છે. બહારથી આવનારા પૈસા તમારા
ખાતામાં નખાવીશ અને ચેક મારફતે હું કાઢી લઈશ. આથી ફરિયાદીએ વિશ્વાસમાં આવી કોરો ચેક આપ્યો હતો. એ જ દિવસે પાંચ લાખ જમા થયા હતા. ધનંજયે
ચેકથી 4.72 લાખ ઉપાડી
લીધા હતા અને 28 હજાર તેના કહેવાથી હેમ પટેલને
ગૂગલ પેથી આપ્યા હતા. આ વ્યવહાર બાદ ફરિયાદી રવિનાબેનનું ખાતું ફ્રિઝ થઈ ગયું હતું.
જેની માહિતી મેળવતાં તેમના ખાતામાં ઓનલાઇન છેતરપિંડીનાં નાણાં આવ્યાં હોવાનું સામે
આવ્યું હતું. આમ આરોપી ધનંજય ઉપર આજે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. નોંધનીય છે કે, ધનંજય ઉપર અગાઉ આવી ફરિયાદ નોંધાઇ ચૂકી છે અને પોલીસે તેને ઝડપી લીધો છે.
આ
ઉપરાંત એ-ડિવિઝન પોલીસ મથકે ગઇકાલે નોંધાયેલી આવી ફરિયાદની વિગતો એવી છે કે, ફરિયાદી કરણ લલિતભાઇ રાઠોડ (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, રઘુવંશીનગર ચોકડી, ભુજ)ને ગત તા. 9-4ના આરોપી કમલેશ ઉદયસિંહ ડાભી (રહે. આશાપુરા સોસાયટી, વ્યાયામ શાળા, પાણીના ટાંકાની બાજુમાં, ભુજ) અને ઓમ પટેલ (રહે. કૈલાસનગર, ભુજ)એ ફરિયાદીને ખોટી
હકીકતો જણાવી વિશ્વાસ કેળવી લેતાં બેન્ક ખાતા નંબર લઇ તેમાં ઓનલાઇન રૂા. 4.98 લાખ જમા કરાવી ચેક મારફત બેન્કમાંથી કઢાવી લીધા હતા.
ફરિયાદીના બેન્ક ખાતાનો ઉપયોગ ગેરકાયદે નાણાકીય હેરફેર માટે કરી તેની સાથે વિશ્વાસઘાત
કર્યાની ફરિયાદ નોંધાવી છે. ઓમ પટેલ સામે અગાઉ અને ગઇકાલે પણ આવા પ્રકારની અન્ય ફરિયાદો
નોંધાઇ ચૂકી છે.
ગઇકાલે
એ-ડિવિઝનમાં બીજી ફરિયાદ કોડકી રોડ ઉપર રહેતા સૈયદ નાઝીર આરબે આરોપી મોહમદ મણિયાર
(રહે. શાંતિનગર, ભુજ) સામે નોંધાવી છે. ગત તા. 17-6થી 11-7 સુધીના
આ બનાવ અંગે નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીને આરોપીનો વિશ્વાસ કેળવી તેની પાસે બે બેન્ક
ખાતા નંબર તથા ઇન્ટરનેટ બેન્કિંગ વિગતો તેમજ એટીએમ કાર્ડની વિગતો મેળવી ફરિયાદીની જાણ
બહાર અન્ય લોકો સામે થયેલી ઓનલાઇન છેતરપિંડીનાં
નાણાં તેના ખાતામાં નખાવ્યા બાદ ચેક અને એટીએમથી ઉપાડી લઇ તેની સાથે વિશ્વાસઘાત કર્યો
છે. આરોપી મોહમદ મણિયાર વિરુદ્ધ આવી જ વધુ બે ફરિયાદ ગઇકાલે જ નોંધાઇ છે.
ગઇકાલે
બી-ડિવિઝન પોલીસ મથકે આવા પ્રકારની ચાર ફરિયાદ નોંધાઇ હતી. સાયબર પોલીસે આરોપી મોહમદ
સાહિદ સલીમ જુણેજા (રહે. તૈયબા ટાઉનશિપ, ખારી નદી રોડ, ભુજ) અને મોહમદ મણિયાર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી મોહમદ જુણેજાએ તેના
બેન્ક ખાતાનો ઉપયોગ આરોપી મોહમદ મણિયારના કહેવા મુજબ કરી તા. 13-5થી આજ દિન સુધી ઓનલાઇન ઠગાઇના કુલ રૂા. 7.49 લાખ મેળવીને વિડ્રોઅલ કરી કમિશન મેળવીને ગુનો કર્યો
હતો. ભુજના રઘુવંશી ચોકડી પાસેના હાઉસિંગ બોર્ડમાં રહેતા નેહાબેન નરોત્તમભાઇ ઠક્કરે
આરોપી ઓમ મનીષ પટેલ (રહે. કૈલાસનગર, ભુજ) સામે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં
લઇ બેન્ક ખાતા નંબર તથા કોરા ચેક સહીવાળા લઇ તેના ખાતામાં તા. 27-4ના 4.98 લાખ, 4-4ના 4.96 લાખ
એમ કુલ રૂા. 9.94 લાખ ઓનલાઇન
ઠગાઇના નખાવી તેનો ઉપાડ કરી વિશ્વાસઘાત કર્યો છે.
ભુજના
જૂના રેલવે સ્ટેશન, ખાદી બાગની બાજુમાં નાગેન્દ્ર પાર્કમાં
રહેતા મલકિતસિંગ હરભજનસિંગ શીખે નોંધાવેલી વિગતો મુજબ આરોપી શુભમ જાટ (રહે. કોડકી રોડ,
ભુજ)એ તેનો વિશ્વાસઘાત કેળવી ત્રણ કોરા ચેક સહી કરેલા લઇને તેના ખાતામાં
તા. 22-5ના 1,23,000ના, તા. 26-5ના 6,23,000 તથા
તા. 9-5ના રૂા. 3,13,000 એમ કુલ રૂા. 15,59,000 ઓનલાઇન
ઠગાઇના નખાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. શુભમ જાટ વિરુદ્ધ
પણ હાલમાં જ આવ પ્રકારની ફરિયાદ નોંધાઇ ચૂકી છે. આ ઉપરાંત મદિનાનગર-2માં રહેતા ઇમ્તિયાઝ અહેમદ આદમ રાયમાએ આરોપી મોહમદ મણિયાર
વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી મોહંમદે ફરિયાદી ઇમ્તિયાઝને વિશ્વાસમાં લઇ તેના
ખાતામાં રૂા. 2.50 લાખ ઓનલાઇન
ઠગાઇના નખાવી ઉપાડી લઇને તેની સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે.