ગાંધીધામ, તા. 6 : વાગડમાં હાલ ચોમાસામાં થયેલા સચરાચર
વરસાદનાં પગલે અનેક સીમ, તળાવો, મધ્ય કક્ષાના ડેમો છલોછલ થયા છે, જેમાં ભચાઉ તાલુકાના શિવલખાના કોચલી ડેમનો પણ સમાવેશ થાય છે. આ ડેમમાં
છેલ્લા કેટલાક સમયથી મહામુલા પાણીની વ્યાપક ચોરી થતી હોવાની બૂમ ઊઠી છે. એક સમયે
ભચાઉના કાંઠા વિસ્તારના આશરે 29 ગામને આ ડેમ દ્વારા પીવાનું પાણી
આપવામાં આવતું હતું. હાલ જિલ્લા પંચાયતની નાની સિંચાઈ યોજના હસ્તક ડેમ છે. હાલ
રવીપાકની સિઝનમાં ડેમ આસપાસનાં ગામના લોકો દ્વારા પાણી પુરવઠાની લાઈન મારફત
વીજતંત્રની રહેમ નજર તળે ડી.પી ઊભી કરી હજારથી 1500 એકરમાં ગેરકાયદે રીતે પીયત
કરાતું હોવાનો આક્ષેપ જાણકારો કરી રહ્યા છે. વીજતંત્રના જવાબદારો દ્વારા પ્રસાદી
લઈને જોડાણ મંજૂર કરાયા છે,
તેના બદલે પાણી પુરવઠાની લાઈન પાસે ખોટી ડીપીઓ ઊભી કરીને ગેરકાયદે
પ્રવૃતિ કરાતી હોવાની રાવ વ્યાપક રીતે કરાઈ રહી છે. આ ગેરકાયદે પાણી ચોરીનાં કારણે
ફુટવાલમાં માછલીઓ આવીને મૃત્યુ પામતી હોવાથી જીવદયા પ્રેમીઓમાં પણ કચવાટ ફેલાયો છે.
આ ડેમ નાની સિંચાઈ હસ્તક છે કે પાણી પુરવઠા હસ્તક તે સવાલ પણ પેચીદો હોવાનું
જાણકારો જણાવી રહ્યા છે.