ભુજ, તા. 21 : દિવાળીના
સપરમાં દિવસે કચ્છમાં આપાત-કાલીન કેસોમાં સરેરાશ 27 ટકાનો
વધારો જોવા મળ્યો છે. ઇમરજન્સી 108 સેવા
દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર કચ્છમાં સામાન્ય દિવસોમાં 164 કોલ મળતા હોય તેની સામે દિવાળીના દિવસે 208 કોલ મળ્યા હતા. રાજ્યમાં સુરત અને રાજકોટ જેવા મહાનગરો
બાદ જે જિલ્લામાં ઇમરજન્સી કેસોમાં વૃદ્ધી જોવા મળી તેમાં કચ્છ ઉપરાંત દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા અને ભાવનગર
જિલ્લાનો સમાવેશ થાય છે. 108 સેવા
દ્વારા જારી કરાયેલા આંકડાનું વિશ્લેષણ કરતા ઉડીને આંખે વળગે તેવો એક આંકડો એ સામે
આવ્યો છે કે, માત્ર માર્ગના કેસમાં મોટો વધારો દેખાયો છે. કચ્છમાં સામાન્ય
રીતે દૈનિક ત્રણ મારામારીના કેસ જોવા મળે તેની સામે દિવાળીના દિવસે 20 કેસ જોવા મળ્યા, જે 500 ટકાનો મોટો વધારો છે. એ જ રીતે માર્ગ અકસ્માતના કેસમાં
98 ટકાનો વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં માર્ગ અકસ્માતને
લગતા 18 કોલ મળે છે તેની સામે દિવાળીના
દિવસે 35 કોલ 108 સેવાને મળ્યા હતા. ફટાકડાના લીધે હવા પ્રદુષિત બનતા
શ્વાસ લેવાની તકલીફવાળા દર્દીઓમાં કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં સરેરાશ ચાર ટકાનો વધારો
થયો છે. 108 દ્વારા નવાં
વર્ષ અને ભાઇબીજના દિવસે પણ ઇમરજન્સી કેસો વધે તેવી સંભાવના દેખાડવામાં આવી છે.