• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

સતાપર ગૌશાળામાં આગ લાગવાથી ભારે દોડધામ મચી

અંજાર,તા.21: તાલુકાના સતાપર ગામમાં આવેલી ગૌશાળાના ગોડાઉનમાં ગઈકાલે સાંજે ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. આ દુર્ઘટનામાં ગૌશાળાનો 900 મણ જેટલો પશુઓનો ચારો બળીને ખાખ થયો  હતો. બહાર આવેલી વિગતો અનુસાર ફટાકડાનાં તણખલાંને કારણે  કોઈ પ્રકારે આગ લાગી હતી. આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે વેલસ્પન કંપની, અંજાર નગરપાલિકા અને સુમીલોન કંપની (વરસાણા) તેમજ ભીમાસરની ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમોની સાથે સાથે સતાપર ગામના ગ્રામજનો, સ્થાનિક યુવાનોની ટીમ, મુરલીધર ગૌસેવા સમિતિ ટ્રસ્ટ સતાપરના ટ્રસ્ટીઓ સહિતના આગને નિયંત્રણમાં લેવા પ્રયાસો કર્યા હતા. આ બનાવમાં 15 લાખનું મોટું નુકસાન થયું હોવાનું અનુમાન સ્થાનિકોએ વ્યકત કર્યું હતું. મહત્ત્વની બાબત છે કે, આ બનાવમાં ગૌશાળામાં રહેલા ગૌધનને કોઈ નુકસાન થયું ન હતું. જેના કારણે ગૌપ્રેમીઓએ હાશકારો લીધો હતો. ગૌશાળાના પશુઓના ચારાને મોટું નુકસાન થયું હતું તેવું કચ્છ-સૌરાષ્ટ્ર પી.જી.વી.સી.એલ કોન્ટ્રાક્ટર એસોસીએશનના પ્રમુખ ગોપાલભાઇ માતા અને પૂર્વ સરપંચ દિનેશભાઈ માતાએ જણાવ્યું હતું.

Panchang

dd