ગાંધીધામ, તા. 27 : શહેરના રેલવે મથકના ગેટ સામે
સર્વિસ રોડ પર પગપાળા જતા ધીરજકુમાર ઉર્ફે તન્ની માંઝી (ઉ.વ. 28)ને ટ્રેઇલરે હડફેટમાં લેતાં
આ યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો હતો. બીજીબાજુ શહેરના ગુ.હા. બોર્ડ નજીક બાઇક સ્લીપ
થતાં જયરામ મંડલ નામના યુવાનનું મોત થયું હતું તેમજ મેઘપર બોરીચી નજીક અંજાર-ગળપાદર
માર્ગ પર ટ્રેઇલરે બાઇકને હડફેટમાં લેતાં અર્જુનસિંઘ રાજપૂત નામના આધેડનું મોત થયું
હતું. મુંદરામાં ઝીરો પોઇન્ટ પાસે રહી મજૂરીકામ કરનાર ધીરજકુમાર નામનો યુવાન ગઇકાલે
કોઇ કામ અર્થે ગાંધીધામ આવ્યો હતો. બપોરના અરસામાં તે રેલવે મથકના ગેટ સામે સર્વિસરોડ
પરથી પગપાળા જઇ રહ્યો તેવામાં માતેલા સાંઢની માફક દોડીને જઇ રહેલા ટ્રેઇલર નંબર ડી.ડી.-01-યુ.-9540એ આ યુવાનને હડફેટે લેતાં તેને
ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ લઇ
જવાતાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. ટ્રેઇલરચાલક વિરુદ્ધ યુવાનની
પત્ની અનિતાદેવી માંઝીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ગાંધીધામમાં દીપક બસિતાની ગેરેજમાં
કામ કરનાર જયરામ મંડલ નામનો યુવાન કોઇ ગ્રાહકનું બાઇક નંબર જી.જે.-12-બી.એ.-5010 લઇને પોતાના મકાન ગુ.હા. બોર્ડ
બાજુ જઇ રહ્યો હતો. તે ચીરઇ સોલ્ટ પાસે પહોંચ્યો હતો દરમ્યાન તેનું બાઇક સ્લીપ થઇ જતાં
તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે જુદી જુદી હોસ્પિટલોમાં લઇ
જવાયો હતો જ્યાં તેણે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે તેના ભાઇ સુમનકુમાર
ઘનશ્યામ મંડલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વધુ એક જીવલેણ બનાવ મેઘપર બોરીચીની વી.વી.એફ.
કંપની નજીક સર્વિસરોડ ઉપર બન્યો હતો. આ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરનાર
નિવૃત્ત આર્મીમેન એવા અર્જુનસિંઘ બાઇક નંબર જી.જે.- 39-ડી.-1165થી સર્વિસરોડ પર જઇ રહ્યા હતા
તેવામાં ટ્રેઇલર નંબર જી.જે.-12-બી.ટી.- 7179એ તેમને હડફેટમાં લીધા હતા.
ગંભીર રીતે ઘવાયેલા આ આધેડને જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર અર્થે લઇ જવાયા હતા જ્યાં
તેમણે સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. ટ્રેઇલરચાલક વિરુદ્ધ તેમના દીકરા દિનેશસિંઘએ
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.