ગાંધીધામ, તા. 13 : શહેરમાં નૂરી મસ્જિદ નજીક ટ્રકે
પહેલાં બાઈક બાદમાં ડિવાઈડર તોડીને ટેન્કરને હડફેટે લીધું હતું. આ ટેન્કર મોપેડમાં
અથડાતાં મીઠીરોહરના સવાભાઈ પમારનું મોત થયું હતું તેમજ ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી.
મીઠીરોહરમાં રહેનાર સવાભાઈ અને તેમના પત્ની પોતાના મોટાભાઈ હોસ્પિટલમાં દાખલ હોવાથી
ખબર-અંતર પૂછવા આવ્યા હતા અને બાદમાં રાત્રે નવ વાગ્યાના અરસામાં મોપેડ નંબર જીજે-12-ડીએસ-0107થી પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે સામેથી ભચાઉ બાજુથી આવનારા ટ્રેઈલર નંબર
જીજે-12-બીવાય-3344ના ચાલકે આગળ જતી બાઈક નંબર
જીજે-12-ઈજે-5804ને ટક્કર મારી હતી, બાદમાં ડિવાઈડર તોડીને સામેના ભાગે કંડલાથી
ભચાઉ બાજુ જઈ રહેલા ગેસના ટેન્કર નંબર યુ.પી.-17-ટી- 7837 સાથે આ ટ્રેઇલર અથડાયું હતું.
ગેસના ટેન્કરની બાજુમાંથી પસાર થનાર મોપેડને ટક્કર લાગી હતી, જેમાં મોપેડચાલક સવાભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમનું
મોત થયું હતું. આ ત્રેવડા અકસ્માતમાં બાઈકચાલક સંજય રામદેવ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચી
હતી તેમજ મોપેડ પર સવાર સવાભાઈના પત્ની, ટેન્કરચાલક તથા ખુદ ટ્રેઈલરચાલકને
પણ ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.