ભુજ, તા. 9 : ઓનલાઇન
છેતરપિંડીના બનાવો દેશભરમાં વધ્યા છે, ત્યારે આ છેતરપિંડીના નાણાં જે ખાતાઓમાં
જમા થયા હતા તેના ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે કચ્છના અનેક બેંક ખાતા સામે આવ્યા હતા.
ગત ડિસેમ્બર માસમાં આવી અનેક ફરિયાદો દાખલ થઇ હતી. નખત્રાણામાં આવી જ એક ફરિયાદની તપાસમાં
કથિત પત્રકાર નવલસિંહ સોઢા (નવુભા) અને નરશી સોઢાની સંડોવણી ખૂલતાં બંનેની અટક કરી
હાલે જ્યુડિશિયલ કસ્ટડી જેલહવાલે કરાયા છે. આ કેસની પ્રાપ્ત વિગત મુજબ એલસીબીની સાયબર
સેલ સમન્વય પોર્ટલ પર મ્યૂલ બેંક એકાઉન્ટની તપાસમાં અલગ-અલગ રાજ્યની કુલ 18 છેતરપિંડીની ફરિયાદમાં જે એક્સિસ બેંકનું ખાતું મળ્યું
તેની વિગતો મગાવાતાં ખાતાધારક તરીકે શ્રી આશાપુરા એસોસિયેટ (વિક્રમસિંહ સોઢા) (રહે.
શ્રીનાથ શોપિંગ સેન્ટર, બસ સ્ટેશન, નખત્રાણા)
મળી આવતાં સાયબર પોલીસે તે તથા તપાસમાં જે નીકળે તેની વિરુદ્ધ ગત તા. 16/12/25ના નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 9/10/24થી 4/1/26 સુધી
અલગ-અલગ રાજ્ય અને વિસ્તારમાં થયેલી 18 ઓનલાઇન
છેતરપિંડીના કુલ રૂા. 35,94,732નું
ઉપરોક્ત બેંક ખાતામાં ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું હતું. આ ફરિયાદ બાદ નખત્રાણા
પોલીસે તપાસ આદરી હતી અને બેંક ખાતાની વિગતો તપાસતાં તે એકાઉન્ટના નોમિનેટ (વારસદાર)
તરીકે વિક્રમસિંહ હતા, પરંતુ એકાઉન્ટના આધાર-પુરાવા નવલસિંહ
સોઢાને મળ્યા હતા. આ ઉપરાંત નવલસિંહ સોઢાના જ સંબંધી એવા નરશી સોઢાની પણ આ પ્રકરણમાં
સંડોવણી ખૂલતાં નખત્રાણા પોલીસે બંને આરોપીની સપ્તાહ પૂર્વે જ ધરપકડ કરી કોર્ટમાં રજૂ
કરતાં તેને જ્યુડિશિયલ કસ્ટડી જેલહવાલે કરાયાની વિગતો આ કેસના તપાસકર્તા અધિકારીએ આપી
હતી.