• મંગળવાર, 10 માર્ચ, 2026

ભીમાસર-ગોપાલનગર વચ્ચે કાર હડફેટે યુવાનનું મોત

ગાંધીધામ/ભુજ, તા. 9 : અંજારના ભીમાસરથી ગોપાલનગર વચ્ચે અજાણી કારે હડફેટમાં લેતાં બાઈકચાલક સુનીલ ધનજી કોળી (ઉ.વ. 20) નામના યુવાનનું મોત થયું હતું. બીજી તરફ નખત્રાણા તાલુકાના નિરોણાના 62 વર્ષીય વૃદ્ધ ખેતાભાઈ જેઠાભાઈ આહીરે દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો હતો. લાખાપર કોલીવાસમાં રહેનાર સુનીલ નામના યુવાનને ગત તા. 4/3ના અકસ્માત નડયો હતો, તે બાઈક નંબર જી.જે. 06-ક્યુ-જી-1237 લઈને ભીમાસરથી ટપ્પર બાજુ જઈ રહ્યો હતો. આ યુવાન ચકાસર તળાવડી નજીક પહોંચ્યો હતો. દરમ્યાન અજાણી સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલકે તેના બાઈકને હડફેટમાં લેતાં આ યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને વધુ સારવાર અર્થે આદિપુર લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કારચાલક સામે ધનજી જુમા કોળીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નિરોણા ગામમાં રહેતા વડીલ એવા ખેતાભાઈ આહીરે ગઈકાલે વાડી પર કોઈ અગમ્ય કારણોસર દવા પી લેતાં તેને તેના ભાણેજ રમેશભાઈ આહીર સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં બપોરે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાઈ હતી. આ અંગે નિરોણા પોલીસને જાણ કરાઈ હતી.

Panchang

dd