• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

સતાપર નાની સિંચાઈ ડેમનું પાણી ખેતી માટે મુક્ત કરો

શિયાળુ પાકનાં વાવેતર તથા ગૌવંશના નિભાવને લઈને પૂર્વ રાજ્યમંત્રીએ જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રી સાથે ચર્ચા કરી

અંજાર, તા. 18 : સતાપર નાની સિંચાઈ ડેમનું અનામત પાણી ખેતી માટે મુક્ત કરવા તથા શિયાળુ પાકનાં વાવેતર અને પાંજરાપોળનાં ગૌવંશના નિભાવના પ્રશ્નોને લઈને પૂર્વ રાજ્યમંત્રીએ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. અંજાર તાલુકાના સતાપર ગામે આવેલા નાની સિંચાઈ ડેમનું પાણી ખેતીના હેતુ માટે મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે સતાપર ગામના ખેડૂતોએ પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર તથા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા સતાપર ડેમનું પાણી અનામત રાખવામાં આવ્યું છે, પરંતુ આ નિર્ણયને કારણે ડેમના પાણી પર આધારિત ખેતી કરતા અનેક ખેડૂતો માટે શિયાળુ પાકનું વાવેતર કરવું મુશ્કેલ બન્યું હોવાથી તેમની આજીવિકા પર વિપરિત અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સમગ્ર મામલે પૂર્વ રાજ્યમંત્રીએ રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ કરતી  રજૂઆતમાં જણાવ્યું હતું કે, સતાપર ડેમની આસપાસ પીવાના પાણી માટે અન્યત્ર લઈ જવા માટે કોઈ પાઈપલાઈન કે માળખાકીય સુવિધા ઉપલબ્ધ નથી. બીજી તરફ, ડેમની નજીક જ સમગ્ર કચ્છને પાણી પૂરું પાડતો નર્મદા આધારિત ટપ્પર ડેમ છે. વધુમાં સતાપરનો ડેમ નાની કક્ષાનો હોવાથી જો શિયાળા બાદ પણ પાણીનો ઉપયોગ નહીં થાય, તો ઉનાળામાં કુદરતી બાષ્પીભવનથી પાણીનો જથ્થો વેડફાઈ જવાની પૂરી શક્યતા છે. કચ્છની સૌથી મોટી પાંજરાપોળના ગૌવંશ સામે પણ સંકટ સર્જાશે. સતાપર ખાતે કચ્છની સૌથી મોટી પાંજરાપોળ આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં ગૌવંશનો નિભાવ થાય છે. આ પાંજરાપોળની જમીનમાં સિંચાઈ યોજનાના પાણીથી જ ઘાસચારાનું ઉત્પાદન લેવામાં આવે છે. જો ડેમનું પાણી મુક્ત કરવામાં નહીં આવે, તો ઘાસચારાનાં ઉત્પાદન પર માઠી અસર થશે અને અબોલ જીવોના નિભાવ માટે ગંભીર મુશ્કેલી ઊભી થશે.  આ તમામ પાસાંઓને ધ્યાને લઈ કચ્છ કલેક્ટરને જરૂરી સૂચના આપી સિંચાઈ વિભાગ દ્વારા ખેતી અને પાંજરાપોળના હિતમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd