નવી દિલ્હી, તા. 18 (વિશેષ
પ્રતિનિધિ તરફથી) : દેશના રાજકારણમાં બુધવારે
અનેક મુદ્દાઓ પર સત્તા પક્ષ અને વિપક્ષ આમને-સામને હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ
અમેરિકામાં આપેલા આર્થિક નિવેદને ભાજપને આક્રમક થવાની તક આપી હતી. તો મતદાર યાદીના
વિશેષ ગહન પુનનિરિક્ષણ (એસઆઇઆર) ને લઈને વિપક્ષની કાયદાકીય લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી
પહોંચી ગઈ છે. બિહારમા ગંગા નદી પર બનેલા નીતીશ સેતુના નામકરણે નવા રાજકીય વિવાદને
જન્મ આપ્યો છે. બીજી તરફ સંસદના શિયાળુ સત્ર, મહિલા અનામત
અને ઉત્તર પ્રદેશના આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધીઓ તેજ રહી હતી.
દેશની છબી બગાડવાનો આરોપ મુક્યો
અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં કોંગ્રેસ નેતા
રાહુલ ગાંધીએ ભારતીય અર્થવ્યવસ્થા પર કરેલી ટિપ્પણીએ રાષ્ટ્રીય રાજકારણમાં નવો વિવાદ
ઊભો કર્યો છે. ભાજપે તેમના નિવેદન પર આકરો પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી
વિદેશી ધરતી પર ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના પ્રવક્તા ગૌરવ
ભાટિયાએ તેમના નિવેદનોને દેશવિરોધી પ્રચાર ગણાવ્યા હતા.
એસઆઇઆર પર સુપ્રીમમાં લડાઈ
મતદાર યાદીના વિશેષ સઘન પુનનિરીક્ષણ (એસઆઇઆર) નો
મુદ્દો હવે રાજકીય વિરોધથી આગળ વધીને ન્યાયિક ચર્ચાનો મુખ્ય હિસ્સો બની ગયો છે. કોંગ્રેસ
નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચ પાસે પ્રક્રિયા સાથે જોડાયેલા
48 સવાલોના
જવાબ સોગંદનામા દ્વારા આપવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે 17 નવેમ્બરે
થયેલી સુનાવણી દરમિયાન આ મામલો નવ ડિસેમ્બર સુધી મુલતવી રાખ્યો છે અને ચૂંટણી પંચને
જવાબ તથા વાંધા રજૂ કરવાની તક આપી છે. વિપક્ષનો આરોપ છે કે પુનનિરીક્ષણ પ્રક્રિયામાં
પારદર્શિતાનો અભાવ છે અને પાત્ર મતદારોના નામ કપાઈ જવાની આશંકા છે, જ્યારે ચૂંટણી પંચે આ પ્રક્રિયાને નિયમ મુજબ ગણાવી છે.
નીતીશ સેતુના નામકરણ પર વિવાદ
બિહારના રાજકારણમાં ગંગા નદી પર બનેલા 9.76 કિલોમીટર
લાંબા કચ્ચી દરગાહ-બિદુપુર પુલનું નામ નીતીશ સેતુ રાખવાને લઈને વિવાદ છેડાયો છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદી 21 નવેમ્બરે
આ પુલનું ઉદ્ઘાટન કરવાના છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કોઈ જીવિત રાજકીય વ્યક્તિના
નામ પર પુલનું નામ રાખવાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ, મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ આ નિર્ણયને પૂર્વ મુખ્ય પ્રધાન નીતીશ કુમારના યોગદાનના
સન્માન સાથે જોડ્યો છે. પટના અને વૈશાલી જિલ્લાઓને જોડતા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું
નામકરણ હવે રાજકીય પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયું છે.
સંસદના શીતકાલીન સત્ર પર નજર
સંસદના આગામી શીતકાલીન સત્રને લઈને રાજકીય હલચલ
તેજ થઈ ગઈ છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં સત્ર બોલાવવામાં આવે તેવી શક્યતા છે, જોકે હજુ સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી. મહિલા અનામત અને લોકસભા બેઠકોના
સીમાંકન સાથે જોડાયેલા પ્રસ્તાવો આ સત્રમાં ચર્ચાના મુખ્ય વિષય બની શકે છે.
યુપીમાં 2027ની ચૂંટણી તૈયારી તેજ
ઉત્તર પ્રદેશમાં 2027ની
વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ તેજ કરી દીધી છે. સમાજવાદી પાર્ટીના
અધ્યક્ષ અખિલેશ યાદવે બુધવારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના રાજકીય ગઢ ગોરખપુરમાં
પીડીએ રથયાત્રા કાઢી હતી. આશરે 20 કિલોમીટર લાંબી આ યાત્રાને પૂર્વાંચલમાં પાર્ટીનો
જનાધાર મજબૂત કરવા અને પછાત, દલિત તથા લઘુમતી વર્ગોને
એકજૂટ કરવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ ભાજપ પણ સંગઠનને મજબૂત કરવા
અને સામાજિક-રાજકીય સમીકરણો સાધવામાં લાગી ગઈ છે.
અજિત પવાર વિમાન દુર્ઘટનાની તપાસ પર સવાલ
મહારાષ્ટ્રમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત
પવારની વિમાન દુર્ઘટનાની તપાસને લઈને રાજકીય નિવેદનબાજી ચાલુ છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર
ફડણવીસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને તપાસમાં ઝડપ લાવવા અને રિપોર્ટ વહેલી તકે
જાહેર કરવા વિનંતી કરી છે. બીજી તરફ, એનસીપી (શરદચંદ્ર
પવાર) ના નેતા રોહિત પવારે પણ દુર્ઘટનાના વિવિધ પાસાઓ પર સવાલ ઉઠાવીને તપાસમાં પારદર્શિતાની
માંગ કરી છે.