વરસાણા પાસે અજાણ્યાં વાહન હડફેટે યુવાને જીવ ખોયો
ભુજ/ગાંધીધામ, તા. 17 : મુંદરાના
બરાયામાં મૂળ મધ્યપ્રદેશની 22 વર્ષીય યુવતી સુનિકા રતિયા સિંગાડે, જ્યારે ગાંધીધામના ગળપાદર રાજવી બાગ સોસાયટીમાં રહેનાર મુક્તાબેન છગન ચોથાણી
(ઉ.વ. 61) નામના
વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ જીવ દીધા હતા. બીજી બાજુ
અંજારના ભીમાસર વરસાણા માર્ગ પર અજાણ્યા વાહનની હડફેટે ચડતાં અર્જુનસિંહ ભાગીરથીસિંહ
નામના યુવાનનું મોત થયું હતું.
મૂળ જાંબુઆ જિલ્લા મધ્યપ્રદેશ હાલે બરાયામાં આશાપુરા
કંપની સામે લેબર કોલોનીમાં રહેતી યુવતી સુનિકા તા. 16/11ના બપોરે
ઘરે એકલી હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની વિગતો પ્રાગપર
પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.
ગળપાદરની રાજવી બાગ સોસાયટીમાં ગત તા. 16/11ના
ઢળતી બપોરના અરસામાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં પ્લોટ નંબર 38માં
રહેનાર મૂળ જસદણના મુક્તાબેન પોતાના ઘરે હતા, દરમ્યાન અગમ્ય
કારણોસર તેમણે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. તેમના જમાઈ પરિતોષ ગીરધર
જલાલજી સાસુને હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા.
બીજી બાજુ વરસાણા નજીક ભીમાસર તરફ જતાં માર્ગ પર
અમૂલ્યા માઈકા કંપની સામે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. વરસાણામાં ધરતી કન્સ્ટ્રક્શનમાં
છેલ્લા ત્રણેક મહિનાથી કામ કરનાર અર્જુનસિંહ ગઈકાલે વહેલી પરોઢે ઊઠીને પોતાના રૂમ પરથી
બહાર સામાન લેવા નીકળ્યો હતો. માર્ગ પર પગપાળા જતા આ યુવાનને કોઈ અજાણ્યાં વાહને હડફેટમાં
લેતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં તેનું
બનાવ સ્થળે જ મોત થયું હતું. અકસ્માત કરી નાસી જનાર વાહનચાલક વિરુદ્ધ તેના મોટા ભાઈ
મનદીપ ભાગીરથીસિંહે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.