સંકટગ્રસ્ત પ્રજાતિ ઇન્ડિયન સ્પાઇની ટેઇલ લિઝાર્ડનું
સંશોધનપત્ર BNHSના
સાયન્ટિફિક જર્નલમાં પ્રસિદ્ધ
ભુજ, તા. 17 : અત્યાર
સુધીના સંશોધન અનુસાર પુખ્ત સ્પાઈની ટેઇલ લિઝાર્ડ (SARRA HARDWICKII) એટલે
કે સાંઢો પ્યોર વેજિટેરિયન (શાકાહારી) છે, પરંતુ જયસુખ
પારેખ `સુમન'એ તેમના પુત્ર નીરવ સાથે 2018થી 2025 સતત
સાત વર્ષના લાંબા સમયમાં ભુજ આસપાસ આવેલી સાંઢાની જીવંત વસાહતોના રેગ્યુલર ઊંડાણપૂર્વકનાં
નિરીક્ષણ અને અભ્યાસ કરીને પુખ્ત સાંઢો બીટલ્સ, ટરમાઈટ, મોટી કીડી અને લોક્સ્ટ ખાય છે તેવા વીડિયો અને
ફોટાના પુરાવા મેળવીને પુખ્ત સાંઢા શુદ્ધ શાકાહારી છે તેવી તેના શાકાહારી ખોરાકની પરંપરાગત
માન્યતાને સચોટ પુરાવા સહિત નવો ઉપયોગી મોડ આપ્યો છે.
તેમજ તેમના આ પુરાવાની વીડિયો ક્લિપનો QR
કોડ પણ BNHSના
રિસર્ચ પેપર J BNHS
123/3 SEPT/DEC 26માં પેપર સાથે પબ્લિશ કરવામાં આવ્યો છે જેથી લોકો
આ અતિ દુર્લભ બિહેવિયર લાઈવ જોઈ શકે.
આમ તો સાંઢો ખૂબ જ ચપળ અને સલામતી પ્રિય છે અને
દૂરથી જ જરાક પણ ખતરાનો અહેસાસ થાય એટલે દોડીને પોતાના દરમાં ઘૂસી જાય પણ `સુમન'ના કહેવા મુજબ ઘણા સમયથી એ જ જગ્યાએ તેમને ડિસ્ટર્બ કર્યા વગર અને ગાડીમાં
બેસીને જ કરેલી ફોટોગ્રાફીને કારણે સાંઢા તસવીરકાર અને ગાડીથી ટેવાઈ ગયા હશે અને નજીક
આવવા દેતા હતા અને નજીકમાં જ તેમની હાજરી હોવા છતાં બિન્ધાસ્ત પોતાની પ્રવૃત્તિ કરતા
હતા.
સાંઢો એ ખૂબ જ સંવેદનશીલ અને સંકટગ્રસ્ત જાતિનું
વલ્નરેબલ પ્રાણી છે. ભારતમાં મુખ્યત્વે કચ્છ અને ગુજરાતના અમુક ભાગ અને રાજસ્થાનમાં
જોવા મળે છે. તે કાચિંડાની જાતનો એક પ્રકાર છે, મુખ્યત્વે નાના
છોડની વનસ્પતિનાં પાન -ડાળી અને ફૂલ ખાય છે, શિયાળાના ત્રણ માસ
તે પોતાના દરને ઉપરથી બરાબર બંધ કરીને હાઈબરનેટ (અંડરગ્રાઉન્ડ) થઇ જાય છે. તેને ગરમી
પસંદ છે. બપોરે મે-જૂનમાં 45થી 50 ડિગ્રી
તાપમાનમાં તે આરામથી ખોરાક લેતો અને અન્ય ક્રિયા કરતો જોઈ શકાય છે. અને મગરની જેમ બાસ્કિંગ
કરે છે,
એટલે કે પોતાના દરની પાસે સૂર્યપ્રકાશ લે છે.
`સુમને' જોયા અનુસાર ભુજ આસપાસ કોડકી રોડ પર અને અન્ય જગ્યાએ વણખેડાયેલી પોચી જમીન
અને છૂટક છૂટક પથરાયેલા નાના છોડવાળાં ખેતર અને જમીન તેના માટે આદર્શ જગ્યા છે,
પણ ખેતી અને મકાનો બનાવવા માટે સંશોધક `સુમન'એ જોયેલી ત્રણે કોલોની જેમાં છેલ્લે
જોયેલી કોલોનીમાં બચ્ચાં સહિત 800થી 1000 જીવ
હતા તે તમામ સંપૂર્ણ રીતે નષ્ટ પામ્યા છે.
BNHS
(બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી) એ ભારતની 143 વર્ષ જૂની વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશનની
સંસ્થા છે ને તેની જર્નલમાં ફર્સ્ટ ઓથર તરીકે પેપર પ્રસિદ્ધ થવું તે ગૌરવની
વાત છે.
વિશ્વના આ બાબતને લગતા તમામ ડેટા ચેક કરવા અને
પેપરને સાયન્ટિફિક રીતે રજૂ કરવા માટે કોરસપોન્ડન્ટ ઓથર તરીકે નેધરલેંડમાં રહેતા વેટલેન્ડ
ઇન્ટરનેશનલના સિનિયર એડવાઇઝર અને સિનિયર કન્ઝર્વેશનિસ્ટ
તેજ મુંડકર રહ્યા હતા.
અઢી વર્ષથી કચ્છમિત્ર પરાગ પૂર્તિમાં ચાલતી `આપણા
પક્ષીઓ'
કોલમના તેમના અત્યાર સુધી 135 લેખ
પ્રસિદ્ધ થઇ ચૂક્યા છે.