નવી દિલ્હી, તા. 17 : બંગાળની
ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું અકવાન વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરીને ઝડપથી આંધ્રપ્રદેશ
તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું આજે સાંજ સુધીમાં ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત
થઈ શકે છે. ત્યારબાદ 19 નવેમ્બરની સવાર સુધીમાં તે વધુ તીવ્ર બનીને અતિ
ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. આ સિસ્ટમના કારણે આગામી ત્રણ દિવસ
દરમિયાન છ રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા
આ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈએમડીએ જણાવ્યું છે કે ચક્રવાત `અકવાન'ના કારણે 19 અને 20 નવેમ્બરના દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ
અને યમનમાં કેટલીક જગ્યાએ ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમુક વિસ્તારોમાં
અત્યંત ભારે વરસાદની પણ શક્યતા છે. આ ઉપરાંત 20 અને 21 નવેમ્બરના
તેલંગાણામાં પણ કેટલીક જગ્યાએ ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. ચેન્નઈ અને તેની
આસપાસના ઉત્તર તમિલનાડુના જિલ્લાઓમાં પણ આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની
આગાહી કરી છે. 16 નવેમ્બરે
દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર સર્જાયેલું `ડીપ
ડિપ્રેશન'
વધુ તીવ્ર બનીને ચક્રવાતી વાવાઝોડું `અકવાન'માં પરિવર્તિત થયું હતું. 17 નવેમ્બરની સવારે તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ
દિશામાં કેન્દ્રિત થઈને સતત આગળ વધી રહ્યું હતું. 17 નવેમ્બરની સાંજ સુધીમાં
તે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર `ગંભીર ચક્રવાતી વાવાઝોડા'માં અને 19 નવેમ્બરની સવાર સુધીમાં `અતિ
ગંભીર ચક્રવાતી વાવાઝોડા'માં પરિવર્તિત થવાની પ્રબળ શક્યતા
છે. ત્યારબાદ આ વાવાઝોડું 20 નવેમ્બર 2026ના
રોજ બપોરના સમયે આંધ્રપ્રદેશ અને યમનના દરિયાકાંઠે નેલ્લોર અને ટુની વચ્ચે ટકરાય તેવી
આગાહી છે. આ સમયે વાવાઝોડાની પવનની ઝડપ 120થી 130 કિમી
પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે પવનના જોરદાર ઝાપટા સાથે તેની ઝડપ 145 કિમી
પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.