• બુધવાર, 29 જુલાઈ, 2026

ભુજમાં વીજતંત્રનું કાર્ય વધુ સરળ બનશે

ભુજ, તા. 28 : ભુજ શહેરની સાથે ગ્રામીણ વિસ્તારનો વ્યાપ સતત વધી રહ્યો છે. વ્યાપ વધવાની સાથે વીજ સમસ્યાઓનું પ્રમાણ વધી રહ્યું છે, તેને ધ્યાને લઇ વીજમાળખાંને સરળ બનાવવા માટે નવું ભુજ રૂરલ-2 સબડિવિઝન આગામી દિવસોમાં કાર્યરત થવા જઇ રહ્યં છે. ભુજ સિટી-1 હેઠળ આવતા અમુક વિસ્તારોની સાથે ભુજ રૂરલ હેઠળ આવતા છ તેમજ દેશલપર સબડિવિઝન હેઠળ આવતાં 12 ગામને ભેળવીને આ નવું સબડિવિઝન ઊભું કરવામાં આવ્યું છે. એક્ઝિક્યુટિવ ઇજનેર શ્રી વાળાએ માહિતી આપતાં કહ્યું કે, ભુજ શહેર-ગ્રામ્ય વિસ્તારના વીજળીના વ્યાપને ધ્યાને લઇ આ નવું સબડિવિઝન મંજૂર કરાયું છે. સહયોગનગર ચાર રસ્તા પાસે કાર્યરત થવા જઇ રહેલા આ નવાં સબડિવિઝનમાં સમાવિષ્ટ વિસ્તારોની વીજસમસ્યાના ઉકેલ પર ધ્યાન આપવા સાથે બિલ ભરવા સહિતની અન્ય તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. આ નવાં સબડિવિઝનમાં ભુજ સિટી-1 હેઠળ આવતા એરોપ્લેન સર્કલથી પશ્ચિમ બાજુ આવતા કોડકી ચાર રસ્તા સુધીના વિસ્તારની સાથે ભુજ રૂરલના સુખપર, મિરજાપર, રતિયા, બાઉખા, મકનપર અને કલ્યાણપર ઉપરાંત દેશલપર સબડિવિઝન હેઠળના કોડકી, મખણા, પીરવાડી, સુમરાસર જત, ટાંકણાસર, કમાગુના, વટાછડ, પાયરકા, વ્યારા, વિંછિયા, નથ્થરકુઇ, કુવાથડાનો સમાવેશ કરાયો છે. હાલ આ નવા સબડિવિઝનને કાર્યરત કરવા માટે સ્ટાફની નિયુક્તિ સહિતની અન્ય વહીવટી કામગીરી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ  ડિવિઝન કાર્યરત થાય તે દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે ધારાસભ્ય કેશુભાઇ પટેલે પણ રજૂઆત કરી હતી, તેમના પ્રયાસોને આ નિર્ણય થકી સફળતા મળી છે. 

Panchang

dd