છેલ્લાં ત્રણ વર્ષથી બેકાબૂ
મણિપુરની વંશીય હિંસા ફરી એક વખત ચર્ચામાં છે. થોડા સમય ઉપરછલ્લી શાંતિ બાદ અચાનક ભડકી
ઊઠતો મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચેનો સંઘર્ષ અત્યાર સુધી લગભગ 2પ0 નિર્દોષ લોકોનો જીવ લઈ ચૂક્યો છે. હજારો લોકો પોતાના ઘરબાર છોડી
ચૂક્યા છે અને પરિણામે રાજ્યમાં સામાજિક સૌહાર્દ તારતાર થઈ ગયો છે. રાજ્યમાં કેન્દ્રીય
સલામતી દળોની વ્યાપક તૈનાતી છતાં સ્થિતિ સમાન્ય બનતી ન હોવાની બાબત એક ગંભીર કોયડા
સમાન બની રહી છે. ગયા બુધવારે કાંગપોકપી જિલ્લામાં ઉગ્રવાદીઓએ હુમલો કરીને આંધાધૂંધ ગોળીબારમાં ત્રણ જણને ઠાર કર્યા હતા અને ચારને ઘાયલ
કર્યા હતા. આ હુમલાથી રોષે ભારાયેલા લોકોએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ એનએચ-2 મણિપુરની સાથોસાથ નાગાલેન્ડને દેશના બાકીના
ભાગ સાથે જોડે છે. આવામાં તેના પર વાહન વ્યવહાર થંભી જાય તે ભારે ચિંતાજનક બાબત ગણી
શકાય. આમ તો મણિપુરમાં શાંતિની સ્થાપના માટે
વ્યાપક પ્રયાસ થયા છે, પણ તે સફળ થઈ શક્યા નથી.
આ માટે મુખ્ય કારણ એ છે કે, હરીફ જૂથોને સંવાદ માટે મંત્રણાની મેજ પર લાવી શકાયા
નથી. આ માટે કોઈ નક્કર પ્રયાસ પણ હાથ ધરાયા ન હોવાની છાપ પણ ઊભી થઈ છે. આને લીધે સંઘર્ષ
કરી રહેલા વંશિય જૂથોમાં એકમેક માટે વિશ્વાસનો અભાવ ઘેરો બની રહ્યો છે. હાલત એવી થઈ
છે કે, રાજકીય હસ્તક્ષેપની કોઈ અસર જણાતી નથી અને સમજૂતીઓ માત્ર કાગળ પર રહી ગઈ છે.
સલામતી દળો આ સશત્ર જૂથોને કાબૂમાં લેવામાં વિફળ રહી છે. હાલત ખરા અર્થમાં લાંબા સમયથી ચિંતાજનક છે. સૌથી
ચિંતાજનક બાબત એ છે કે, જ્યારે-જ્યારે રાજ્યમાં શાંતિની સ્થિતિ સર્જાતી હોવાની છાપ
ઊભી થાય છે, ત્યારે-ત્યારે કોઈને કોઈ મોટો હુમલો આ છાપને બગાડી નાખે છે અને વાતવરણ
ફરી સ્ફોટક બની જાય છે. સરકારે સાલામતી દળોની કાર્યવાહીની સાથોસાથ વિવિધ વંશિય જૂથો
વચ્ચે સંવાદ માટેનો માર્ગ શોધવાની ખાસ જરૂરત છે.
આમ તો આ જરૂરત લાંબા સમયથી અનુભવાઈ રહી છે, પણ આવા સંવાદ માટે કોઈ નક્કર કે
પ્રામાણિક પ્રયાસ થયા હોય તેમ જણાતું નથી. મણિપુરની હિંસા વધુ ઘાતક બને તે પહેલાં કેન્દ્ર
અને રાજ્ય સરકારોએ હવે વિશેષ ધ્યાન આપવાની તાતી જરૂરત છે.