ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાના જુદા-જુદા
ગ્રામ્ય વિસ્તારોની વાડીઓમાંથી વાયર, મોટર વગેરેની ચોરી કરનારા બે શખ્સને પોલીસે દબોચી
લીધા હતા. બંને પાસેથી ચોરીનો માલ ખરીદનારા ભંગારના સંચાલકોની પણ અટક કરાઇ હતી તેમજ
તસ્કરો પૈકી અન્ય એકનું નામ પણ બહાર આવ્યું હતું. અંજારના રતનાલ, સાપેડા, ઝરૂ, દબડા,
મોડસર, નિંગાળ વગેરેની વાડીઓમાંથી વાયરચોરીના બનાવો છેલ્લા કેટલાક સમયથી વધ્યા હતા,
જેના કારણે ખેડૂતોમાં ચિંતાની સાથે રોષની લાગણી પ્રસરી હતી. બનાવ અંગે એલસીબીની ટીમે
ટેકનિકલ રીતે તથા સીસીટીવી અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. આ ચોરીમાં સંડોવાયેલા
શબીરશા કાસમશા ભાખરશા શેખ, મામદ હનિફ ઇબ્રાહીમશા ઓસમાણશા શેખ નામના શખ્સો સવાસર નાકા
બકાલા માર્કેટના ગેટ પાસે ઊભા હોવાની પૂર્વ બાતમીના આધારે એક ટીમ ત્યાં ધસી ગઇ હતી
અને આ બંને શખ્સને પકડી પાડયા હતા. આ બંનેએ ચોરીનો માલ ભંગારના વાડાના સંચાલકો અબ્દુલ
ઉર્ફે બચ્ચન ઇશાક ઓસમાણ કુંભાર તથા ઇરફાન મામદ ઇબ્રાહીમ પિંજારાને વેચી માર્યો હોવાનું
બહાર આવ્યું હતું. અવાડાના સંચાલકોને પકડી પાડી તેમની પાસેથી તાંબાના 30 કિલો 500 ગ્રામ વાયર, એક મોબાઇલ, પાણીની
મોટર, પકડ નંગ-બે એમ કુલ રૂા. 26,325નો મુદ્દામાલ
જપ્ત કરાયો હતો. પકડાયેલા શબીરશા, મામદ હનિફ તથા અલ્તાફ શેખે દબડા, ઝરૂ, પીરાનાપીરની
દરગાહ પાસે, સતાપર, મેઘપર બોરીચી, આદિપુર કેનાલ, મોડસર, સાપેડા, ખેડોઇ વગેરે જગ્યાએ
વાયર-મોટર વગેરેની ચોરી કરી હતી તેમજ મથડા, સિનુગ્રા, નાની નાગલપર, મોટી નાગલપર, રતનાલ
વાડીવિસ્તારોમાં વાયરચોરીના પ્રયાસ પણ કર્યા હતા. ચારેયને પકડી સ્થાનિક પોલીસના હવાલે
કરાયા હતા. આ કાર્યવાહીમાં એલસીબી પી.આઇ. જે.એમ. વાળા, પી.એસ.આઇ. ડી.જી. પટેલ તથા સ્ટાફ
જોડાયો હતો.