• શનિવાર, 16 મે, 2026

સમાઘોઘા ખાતે કચ્છ યુવક સંઘ દ્વારા કચ્છી નાટક `ખટમીઠીયું લાગણીયું' ભજવાશે

ભુજ, તા. 15 : કચ્છની પવિત્ર ધરતી પર ધર્મ, સંસ્કાર અને સાંસ્કૃતિક ચેતનાનો અનોખો મહામેળો સર્જાતો જોવા મળી રહ્યો છે. પરમપૂજ્ય આચાર્ય ગુરુદેવ પ્રકાશચંદ્રજી સ્વામીનાં સાંનિધ્યમાં સમાઘોઘા અને ભોરારા ગામોમાં કચ્છ યુવક સંઘ પ્રેરિત અત્યંત પ્રેરણાદાયી કચ્છી નાટક `ખટમીઠીયું લાગણીયું'નું આયોજન કરવામાં આવ્યું છે. તા. 16-5-2026, શનિવારે રાત્રે 8:30થી 10:30 સમાઘોઘામાં બસ સ્ટેશન પાસે વથાણની વિશાળ જગ્યામાં, તા. 17-5-2026, રવિવારે રાત્રે 8:30થી 10:30 ભોરારામાં અજરામરધામ (સેનેટરી)ના ગ્રાઉન્ડ ખાતે આ કચ્છી નાટક ભજવાશે. વસંત મારૂ દ્વારા દિગ્દર્શિત તથા ડો. વિશન નાગડા દ્વારા લિખિત આ નાટકમાં સંગીત કવન સાવલાનું છે. આજના આધુનિક યુગમાં પારિવારિક સંબંધોમાં વધી રહેલી દૂરતા વચ્ચે આ નાટક સમાજને પ્રેમ, લાગણી, એકતા અને માનવતાનો મહત્ત્વપૂર્ણ સંદેશ પાઠવશે. સમાઘોઘા સ્થા. છ કોટિ જૈન સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમ પાછળનો મુખ્ય શુભહેતુ કચ્છી બોલીની મધુરતા જાળવી રાખવાનો, પારિવારિક જીવનમાં ભાઈચારો વધારવાનો તથા આપણી સંસ્કૃતિનાં મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. આ સમગ્ર આયોજન આચાર્ય પ્રકાશચંદ્રજી સ્વામી વિહાર કાર્યક્રમ અને સમાઘોઘા ખાતે યોજાનાર ચાતુર્માસને લઈને સર્જાયેલા આધ્યાત્મિક માહોલ વચ્ચે યોજાઈ રહ્યું છે. સમાઘોઘા ખાતે તા. 16-5-2026, ભોરારા ખાતે તા. 17-5-2026થી 31-5-2026, પ્રાગપુર ખાતે તા. 1-6-2026થી 21-6-2026 તથા મુંદરા ખાતે તા. 22-6-2026થી 4-7-2026 સુધી ગુરુભગવંતોના વિહારને લઈને દરેક ગામમાં ભક્તિ અને આનંદની લાગણી પ્રસરી છે. સમાઘોઘા અને ભોરારા સહિત આસપાસના વિસ્તારોના સર્વ જ્ઞાતિના ભાઈ-બહેનોને પરિવાર સાથે ઉપસ્થિત રહી આ પ્રેરણાદાયી કચ્છી નાટક નિહાળવા ઇજન અપાયું છે, તેવું મહેશ મહેતાની યાદીમાં જણાવાયું છે. 

Panchang

dd