• શનિવાર, 16 મે, 2026

મિશન કરકસર; ગુજરાતમાં શ્રેણીબદ્ધ પગલાં

અમદાવાદ, તા. 15 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે સચિવાલય ખાતે ગુજરાત સરકારની મહત્ત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં દેશ અને રાજ્યમાં ઇંધણ બચત, સરકારી ખર્ચમાં મોટો ઘટાડો કરવા અને જાહેર પરિવહનને વધુ સુદૃઢ બનાવવાના મુદ્દે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને પોતાના વિભાગોમાં પેટ્રોલ-ડીઝલનો બિનજરૂરી વપરાશ અટકાવવા અને વહીવટી ખર્ચ ઘટાડવા માટે કડક સૂચનાઓ  આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલને પગલે ગુજરાત સરકારે વીઆઈપી સંસ્કૃતિ અને મંત્રીઓના ભપકા પર મોટો કાપ મૂક્યો છે. આ અંતર્ગત હવે માત્ર મુખ્યમંત્રીને જ સત્તાવાર કોન્વોય (મોટો કાફલો) મળશે. નાયબ મુખ્યમંત્રીના કાફલામાં પણ હવે માત્ર ત્રણ જ કાર રાખવાનો નિર્ણય કરાયો છે. રાજ્યપાલ પોતાની તમામ મુસાફરી એસટી બસ અને ટ્રેન મારફતે કરશે. આ ઉપરાંત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ હવેથી પાઈલાટિંગ કારનો ઉપયોગ નહીં કરે. રાજ્યના આરોગ્ય મંત્રી અને રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તેમજ કાંતિભાઈ અમૃતિયાએ પણ પોતાની પાઈલાટિંગ સેવાઓ સ્વેચ્છાએ છોડી દીધી છે, જ્યારે મંત્રી રમેશ કટારાએ ભવિષ્યમાં માત્ર એક જ કાર વાપરવાનો નિર્ણય કર્યો છે. પ્રતીકાત્મક રીતે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે આજે કેબિનેટ બેઠકમાં માત્ર ત્રણ ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા. ઇંધણ અને સમયનો બચાવ કરવા માટે મુખ્યમંત્રીએ ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો છે. તેમણે દરેક મંત્રીને પોતાના વિભાગોમાં જ્યાં પણ શક્ય હોય ત્યાં `વર્ક ફ્રોમ હોમ'ની સાનુકૂળતા ચકાસવા નિર્દેશ આપ્યા છે. હવેથી તમામ વિભાગીય સમીક્ષા બેઠકો ઓનલાઈન (વર્ચ્યુઅલ માધ્યમથી) યોજવામાં આવશે, જેથી ગાંધીનગરમાં યોજાતી બેઠકો માટે સરકારી કર્મચારીઓને દૂરના જિલ્લાઓમાંથી બિનજરૂરી ધક્કા ન ખાવા પડે. મંત્રીઓને લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા જાહેર કાર્યક્રમોમાં જવાની છૂટ છે, પરંતુ ત્યાં લાંબા સુરક્ષા કાફલા લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતાં ગૃહ અને પરિવહન રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં જાહેર પરિવહન સેવાને વધુ મજબૂત અને લોકભોગ્ય બનાવવા માટે આવતીકાલથી જ 300 નવી એસટી બસ સીધી સેવામાં મૂકવામાં આવશે. દરમિયાન પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના નાગરિકોને કોઈ પણ પ્રકારના ગભરાટમાં ન આવવા અને સંશાધનોની બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા વિનંતી કરી હતી.

Panchang

dd