• રવિવાર, 26 એપ્રિલ, 2026

આજે મતદાન : કસોટી, વૈશાખની.. ઉમેદવારોની શાખની..

હૃષીકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 25 : `મિની વિધાનસભા' ગણાયેલી ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓ માટે આવતીકાલે મતદાન યોજાશે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા- 260 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અને 11 નગરપાલિકાની ખાલી પડેલી 13 બેઠકની પેટા ચૂંટણી સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમ્યાન યોજાશે. આ ચૂંટણીમાં મહાનગરપાલિકાના 261 વોર્ડની 1044 બેઠકમાંથી 43 બેઠક માટે બિનહરીફ થયા બાદ 1101 બેઠક માટે 3145 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં આકરી ગરમીને લીધે મતદાન પર અવળી અસર પડશે કે કેમ તેની રાજકીય પક્ષોને ચિંતા છે. નગરપાલિકાઓના 656 વોર્ડની 2624 બેઠકમાંથી 385 બેઠક બિનહરીફ થયા બાદની 2239 બેઠક માટે 5441 ઉમેદવાર, જિલ્લા પંચાયતના 1090 મતદર મંડળોની 1090 બેઠકમાંથી 52 બેઠક બિનહરીફ થયા બાદની 1038 બેઠક માટે 3059 ઉમેદવાર, તાલુકા પંચાયતોના 5234 મતદાર મંડળની 5234 બેઠકમાંથી 252 બેઠક બિનહરીફ થયા બાદની 4976 બેઠક માટે 13,871 ઉમેદવાર, 12 નગરપાલિકાની ખાલી પડેલી 13 બેઠક પૈકી ચાર બેઠક બિનહરીફ થયા પછીને નવ બેઠક માટે 21 ઉમેદવાર મળીને આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કુલ 7253 વોર્ડની 10,005 બેઠકમાંથી 736 બિનહરીફ જાહેર થયા પછીની બાકી રહેતી 9263 બેઠક માટે કુલ 25,637 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ઓબીસી અનામત માટે સુધારાયેલા નિયમ હેઠળ પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી છે. 2027ની વિધાનસભા ચૂંટણી પર સ્થાનિક ચૂંટણીના જનાદેશની ઓછીવત્તી અસર જોવા મળી શકે છે. જેના માટે કુલ 48,450 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 14,275 મથક સંવેનશીલ અને 2196 મથકને અતિ-સંવેદનશીલ મતદાન મથકો તરીકે અલગ તારવવામાં આવ્યાં છે. રાજ્યમાં હાલ 2,10,71,001 પુરુષ, 1,97,77,864 સ્ત્રી અને 848 અન્ય મળીને કુલ 4,08,16,713 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપ, કોંગ્રસ અને આમ આદમી પાર્ટી-આપ વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ છે, પરંતુ અડધોઅડધ બેઠકો પર આપના ઉમેદવારો મેદાને ન હોવાથી મોટાભાગની બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે અને જ્યાં આપના ઉમેદવારો છે, ત્યાં ત્રિ-પાંખિયો જંગ ખેલાશે. મહાનગરપાલિકા માટે 1,10,04,568 મતદાર, નગરપાલિકાઓ માટે 32,30,913, જિલ્લા-તાલુકા પંચાયતો માટે સૌથી વધુ 2,65,52,780 મતદાર મળીને કુલ 4,08,16,713 મતદાર પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. - તીવ્ર ગરમીથી રાજકીય પક્ષોની ચિંતા વધી : અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમા આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે  યોજાનાર મતદાનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે બીજી તરફ મતદાનના દિવસે આકરી ગરમીનો પ્રકોપ રહે તેવી આગાહી  હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ  મુજબ, મતદાનના દિવસે મતદારોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે.ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન ગરમીનું પ્રમાણ અત્યંત વધારે રહેશે. આ સંજોગોમાં ગરમીના કારણે લોકો મતદાન કેન્દ્ર સુધી પહોંચશે કે કેમ તેને લઇને પક્ષોની ચિંતા વધી છે. કાળઝાળ ગરમીમાં વધુમાં વધુ મતદાન કેમ કરાવવું એ એક પડકાર બની રહેશે. આકરી ગરમી રાજકીય પક્ષો અને મતદારો બંને માટે પડકારરૂપ સાબિત થશે. હવામાન નિષ્ણતોની 26 એપ્રિલના રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને ટાઢાપોરે મતદાન કરવા જવાની સલાહ આપવામાં આવી રહી છે. ખાસ કરીને બપોરના સમયે તાપમાન ખૂબ વધી શકે છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી સવારના સમયગાળામાં મતદાન કરવું વધુ અનુકૂળ રહેશે. હવામાન નિષ્ણાતોના મતે, 26થી 28 એપ્રિલ સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. આવતીકાલે 26 એપ્રલના રોજ વડોદરા, નડિયાદ, આણંદ અને કપડવંજ જેવા મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને તાપમાન 44 ડિગ્રીને પાર જવાની પૂરેપૂરી શક્યતા છે.આવતીકાલે અમદાવાદમાં ગરમીનો પારો  43 ડિગ્રી સુધી પહોંચી શકે છે,જેને પગલે હવામાન વિભાગે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.  રાજ્યમાં ગરમીની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમરેલીમાં પારો 43.3 ડિગ્રી સુધી પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માત્ર અમરેલી જ નહીં, પરંતુ તેની પાછળ રાજકોટ 43.1 ડિગ્રી અને સુરેન્દ્રનગર 43.0 ડિગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમીની ઝપેટમાં છે. - એન્ટી સાકલોનિક સર્ક્યુલેશન : આ સાથે  મે મહિનામાં પણ  ગરમીનો પારો  45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 29 એપ્રિલ બાદ તાપમાન એકથી બે ડીગ્રી વધતાં હિટવેવની સ્થિતિ સર્જાવવાની શક્યતા જોવાઇ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની શક્યતાને નકારી છે પરંતુ તાપમાન વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ગરમીની તીવ્રતાને લઇને હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હાલની સ્થિતિની વાત કરીએ તો હાલ અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સકર્ક્યુલેશન બન્યુ છે. જેના કારણે ગુજરાતના ઉત્તર વિસ્તારમાં અને કચ્છમાં  વાદળો છવાતા અને વિખેરતા જોવા મળશે પરંતુ વાદળછાયું વાતાવરણ લાંબો સમય ન રહેતા આકરા તાપનો અનુભવ થશે.  

Panchang

dd