ભુજ, તા. 25 : ત્રણેક વર્ષ પૂર્વે ભુજના ગાંધીનગરીમાં જુમા અલાના સમાને નાના દિનારા અને ધ્રોબાણાના સાત
આરોપીએ ધારિયા, કુહાડી અને છરી તથા ધોકાથી
માર મારી હત્યા નીપજાવ્યાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસની વિગતો
એવી છે કે, ફરિયાદી રશીદ જુમા સમાએ તા. 21/6/2023ના આરોપી મુમતાજ તૈયબ સમા, સતાર ગોડભાઈ સમા, અમીરહસન
ગોડ સમા, મુસા હસન સમા, અમીન સીધીક સમા,
હારૂન અબ્દુલકરીમ સમા, મજીદ મુસા સમા (રહે. તમામ
નાના દિનારા તેમજ ધ્રોબાણા) સાંજે ફરિયાદીના ઘરે જે ગાંધીનગરી, એરપોર્ટ રોડ ઉપર આવેલું છે ત્યાં અને તે સમયે મરણજનાર જુમા અલાના સમા તેમજ
મુસ્તાક સમા તથા રમજાન સમા હાજર હતા. આરોપીઓ ઘરમાં આવી ધારિયા, કુહાડી, છરી તેમજ ધોકાઓ વડે જુમા અલાનાને માર મારી ગંભીર
ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી. ફરિયાદી રસીદને પણ માથાના ભાગે માર મારી ગંભીર ઈજા કર્યાની
ફરિયાદ લેખાવી હતી. બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ કરી
ચાર્જશીટ દાખલ થઈ હતી. બંને પક્ષકારોની દલીલો પૂર્ણ થયા બાદ સાતમા અધિક સેસન્સ જજે
ફરિયાદ પક્ષનો પુરાવો શંકાસ્પદ જણાતો હોઈ જેથી શંકાનો લાભ આપી તમામ આરોપીઓને નિર્દોષ
ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ વતી સિનિયર વકીલ એચ.સી. ચૌધરી,
એમ.એ. ખોજા, એસ.જી. માંજોઠી, કે.આઈ. સમા, વી.કે. સાધ, ડી.સી.
ઠક્કર હાજર રહ્યા હતા. - 384 કરોડના હેરોઈન કેસમાં આરોપી નિર્દોષ : એ.ટી.એસ.
પોલીસને તા. 17/12/2021ના બાતમી મળી કે, પાકિસ્તાનથી હેરોઈનનો જથ્થો ભારત તરફ આવી રહ્યો
છે, જેથી પોલીસે યોગ્ય વોચ ગોઠવી અને જખૌ કોસ્ટગાર્ડની મદદથી
પેટ્રોલિંગ કરીને એ.ટી.એસ. તથા કોસ્ટગાર્ડના
અધિકારી દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની બોટને ચારેય બાજુથી કોર્ડન કરી હતી. બોટમાંથી છ પાકિસ્તાની અને તેની
સાથે 76936 ગ્રામ હેરોઈનનો માદક પદાર્થ
મળી આવેલો જે માદક પદાર્થ કિંમત 384,68,00,000નો પાકિસ્તાનનાં કરાચી બંદરેથી ભરી લાવી ગુજરાતના જખૌના દરિયામાં
ડિલિવરી કરવા આવતા પકડાઈ ગયેલો, આથી એ.ટી.એસ.
પોલીસે તા. 21/12/2021ના
ફરિયાદ નોંધાવી હતી. બાદ તપાસ અનુસંધાને ડિલિવરી લેનાર તરીકે અમીન કરીમ સુરાણી (રહે.
જામસલાયા, જિ. દેવભૂમિ દ્વારકા)નું નામ ખૂલતાં તે ઈસમની
ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એન.ડી.પી.એસ.ની સ્પે. કોર્ટ, ભુજે આરોપી અમીન સુરાણીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો છે. આરોપી
તરફે ધારાશાસ્ત્રી વિપુલ ડી. કનૈયા, સઈદબીન એ. આરબ, એચ.ટી. પરમાર, સદામ જુણેજા હાજર રહ્યા હતા. - મારી નાખવાની ધમકીના કેસમાં
આરોપી નિર્દોષ : ભુજના ચોથા
અધિક ચીફ જ્યુ. મેજિ.ની કોર્ટમાં જજ આર.એસ. સિંધલે આરોપી જયેશભાઇ કનકશી ઠક્કર (ભુજ)ને
નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ગત તા. 20/11/2011ના પી.પી.સી. ક્લબની નીચે આવેલા
રૂમમાં આરોપીએ ફરિયાદીને તેના બાકી નીકળતા રૂપિયા બાબતે ફરિયાદી સાથે મારામારી કરી
મૂંઢ ઇજાઓ પહોંચાડી રૂપિયા નહીં આપે, તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની
ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપી જયેશભાઈનો નિર્દોષ છુટકારો થયો
છે. - વીજચોરીમાં આરોપીનો છુટકારો
: ગત તા. 7/5/22ના પીજીવીસીએલના કર્મચારી દ્વારા વીજ ચેકિંગ દરમ્યાન દુકાનમાં
થાંભલામાંથી બિનઅધિકૃત રીતે વીજ જોડાણ લઈ વીજચોરી કરતા કુલ રૂા. 2,71,304ની વીજચોરીનો કેસ આરોપી મુમતાઝબાઈ
અયુબ કકલ (રહે. ગંઢેર, તા ભુજ)એ વિરુદ્ધ
જી.યુ.વી.એન.એલ. દાખલ કરાતાં આ કેસ આઠમા એડિશનલ સેશન્સ જજ અને સ્પે. (ઈલેક્ટ્રિસિટી)ની
અદાલતમાં ચાલી જતાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ અપાયો છે. - પોક્સો કેસમાં જામીન મંજૂર
: સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી ફરિયાદીના
કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જવાની ફરિયાદ રાપર પોલીસ મથકે આરોપી હેત સોમપુરી
ગુસાઈ (રહે. ભુજ) સામે નોંધાતાં પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરતાં આરોપી હેતે
ભચાઉ કોર્ટમાં નિયમિત જામીનની અરજી કરતાં કોર્ટે શરતોને આધિન જામીન મંજૂર કર્યા છે.
આ ત્રણેય કેસમાં આરોપીઓના વકીલ તરીકે કુલદીપ મહેતા,
દેવરાજ ગઢવી, નરેશ ડી. ચૌધરી, પ્રશાંત એન. રાજપૂત હાજર રહ્યા હતા.