કોટડા (ચકાર), તા. 25 : ભુજ તાલુકાનાં
રેહા ગામમાં આવેલું એસ.ટી. બસ સ્ટેન્ડ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોતાં દુર્ઘટનાની
ભીતિ સર્જાઈ છે. આ અંગે સ્થાનિકોના
જણાવ્યા મુજબ ગરમી તથા ચોમાસાંને કારણે હાલત દિવસે ને દિવસે વધુ ખરાબ બની રહી છે. બસ
સ્ટેન્ડની છતમાંથી સિમેન્ટનાં પોપડાં ઉખડી ગયાં છે અને લોખંડની જાળીઓ દેખાઈ રહી છે.
સ્લેબના અનેક ભાગોમાં તિરાડો પડી જતાં ગમે ત્યારે છત ધરાશાયી થવાની ભીતિ સર્જાઈ છે.
કેટલાક સ્થળોએ છતનો ભાગ નબળો પડી જતાં મુસાફરો સુરક્ષાના અભાવે બસ સ્ટેન્ડની અંદર ઊભા
રહેવાને બદલે બહાર ઊભા રહી બસની રાહ જોવે છે. હાલની પરિસ્થિતિને પગલે આ બસ સ્ટેન્ડનો
ઉપયોગ કરતા ગામના છાત્રો, નોકરિયાતો
તથા વૃદ્ધોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બસ સ્ટેન્ડમાં છાંયો
લેવા આવતા મુસાફરો માટે જર્જરિત ઈમારત જોખમી બની છે. ગામના અગ્રણી અહેમદ થારિયાએ પણ
દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરી હતી. આ બાબતે સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ
કરી જરૂરી સમારકામ અથવા નવી ઈમારત ઊભી કરી મુસાફરો માટે સુરક્ષિત તથા સુવિધાજનક વ્યવસ્થા
ઊભી કરવા સ્થાનિકોએ માંગ કરી હતી.