રાપર, તા. 25 : અહીં એલપીજી ગેસની ભારે રાડ
ઊઠી છે. શહેર હોવા છતાં લાંબા દિવસના અંતરે બુકિંગ કરવાના નિયમથી લોકોને ભારે હાલાકીનો
સામનોકરવો પડે છે. આ અંગે મળતી વિગતો મુજબ
રાપર સિટીમાં પણ આશ્ચર્યજનક રીતે ગ્રામ્ય વિસ્તારની માફક 45 દિવસે બુકિંગ થાય છે અને બુકિંગ
બાદ પણ અઠવાડિયા સુધી ડિલિવરી નથી મળતી અને વધુ રૂપિયા આપવાથી તરત બાટલો આપી દેવામાં
આવતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. કોમર્શિયલ વપરાશકારો પણ ડોમેસ્ટિક બાટલાનો ઉપયોગ ખુલ્લેઆમ
કરી રહ્યા છે. અલબત્ત તેમને પણ કાળા બજારમાં જ બાટલા મળી રહ્યા છે, ત્યારે ઘરવપરાશ માટે બાટલા નથી મળી રહ્યા. ઉલ્લેખનીય
છે કે, રાપર નગરમાં ઈન્ડેન અને ભારત ગેસના બાટલા આપનારા વિતરકો
પાસે ગ્રામીણ એજન્સી છે, જ્યારે એચપીના ડીલરને પુછતાં તેણે પણ
રાપર રૂરલ એરિયામાં આવતું હોવાનું જણાવ્યું હતું. રાપર અર્બન એરિયામાં આવતું હોવા છતાં
બુકિંગ 45 દિવસે થાય છે તે વાત કોઈનાં
પણ ગળે ઉતરે તેમ નથી લાગતું. પુરવઠા વિભાગ એજન્સી પ્રત્યે લાલ આંખ કરી, કાળા બજાર અટકાવી લોકોને ગેસ સુલભ કરાવે તેમ
ગૃહિણીઓ ઈચ્છી રહી છે. સો જેટલા મંદબુદ્ધિ લોકોને રાખતા ગ્રામ્ય સેવા સંગઠનના શૈલેષભાઈ
કોઠારીએ ગેસના બાટલા ન મળવાથી રોટલીમાં કાપ મૂકી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડતી
હોવાનું જણાવ્યું હતું.