• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

વરસાદના વિરામે કચ્છમાં ઉકળાટ વધાર્યો

ભુજ, તા. 26 : કચ્છમાં છેલ્લા વીસ દિવસ કરતાં વધુ સમયથી મેઘવિરામની સ્થિતિ જોવા મળી રહી છે, તો વળી આગામી દસેક દિવસ સુધી સાર્વત્રિક વરસાદ વરસે તેવી શક્યતા ઓછી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વરસાદના વિરામ વચ્ચે જિલ્લામાં ઉકળાટનું પ્રમાણ ઉલ્લેખનીય રીતે વધી ગયું છે. અંજાર-ગાંધીધામમાં મહતમ પારો ઊંચકાઈ 35.4 ડિગ્રીએ પહોંચતા આ વિસ્તાર રાજ્યમાં સૌથી વધુ અકળાયો હતો. જિલ્લા મથક ભુજમાં પણ પારો દોઢ ડિગ્રી ઊંચકાઈને 34.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. ભુજ રાજ્યનું બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં જોવા મળતી વાદળોની આવન-જાવન હવે તુલાનાત્મક રીતે ઓછી જોવા મળી રહી છે. સામાન્ય છાંટા પડતા તે પણ હવે બંધ થઈ ગયા છે. કચ્છમાં હજુ સુધી માત્ર 29 ટકા વરસાદ પડયો છે. વિશેષ રીતે પશ્ચિમ કચ્છની સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. ડેમ-જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. હવામાન વિભાગે પણ હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાનો ચિંતાજનક વર્તારો આપ્યો છે. જો કે, અગાઉ કચ્છમાં સારો પાછોતરો વરસાદ વરસ્યો છે ત્યારે આ વખતે મોડે મોડે પણ વરસાદ સૂકી ધરાને ભીંજવે તેવી આશા કચ્છી માડુઓ રાખી રહ્યા છે.

Panchang

dd