• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

મહિલા ઘરેલુ ક્રિકેટની મેચ ફીમાં જબ્બર વધારો કરતું બીસીસીઆઇ

મુંબઇ, તા. 23 : બીસીસીઆઇ દ્વારા ઘરેલુ મહિલા ક્રિકેટની મેચ ફીમાં અઢી ગણો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સીનીયર મહિલા ઘરેલુ ક્રિકેટ મેચ રમનારી ખેલાડીને પ્રતિ દિવસ 20000 રૂપિયા મળતા હતા. જે વધારીને હવે પ0000 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યા છે. ઇલેવનની બહાર રહેનાર રિઝર્વ ખેલાડીને પ્રતિ દિન 2000 મળશે. જયારે જૂનિયર ક્રિકેટ લેવલના મેચમાં ઇલેવનમાં સામેલ મહિલા ખેલાડીને હવેથી પ્રતિ દિવસ 2000 રૂપિયા મળશે. ઇલેવનની બહાર રહેનાર મહિલા ખેલાડીને 12,00 મળશે. સબ જૂનિયર મેચ ફીમાં પણ વધારો થયો છે. હવે તેમણે મેચ ફી તરીકે પ્રતિ દિન 10000 અને ઇલેવનની બહાર રહેનાર ખેલાડીને પ000 રૂપિયા પ્રતિ દિન લેખે બીસીસીઆઇ ચૂકવશે. આ ફેરફાર ભારતીય ટીમની વન ડે વિશ્વ કપની ઐતિહાસિક જીત પછી બીસીસીઆઇ તરફથી લેવામાં આવ્યો છે. જેથી ઘરેલુ મહિલા ક્રિકેટ વધુ મજબૂત બને. હાલ બીસીસીઆઇ તરફથી ઇન્ટરનેશનલ મેચમાં મહિલા ક્રિકેટરોને પુરુષ ક્રિકેટર સમાન મેચ ફી મળે છે. ટેસ્ટ મેચ માટે 1પ લાખ અને વન ડે ટી-20 મેચ માટે ક્રમાશ: 6 અને 3 લાખ ચૂકવવામાં આવે છે. મહિલા ક્રિકેટરોના વાર્ષિક કરારની રકમમાં કોઇ વધારો થયો નથી. પુરુષ ક્રિકેટમાં ટોચના ગ્રેડમાં સામેલ ખેલાડીને પ્રતિ વર્ષ 7 કરોડ મળે છે. આ સામે મહિલા ક્રિકેટમાં ટોચના ગ્રેડની ખેલાડીને પ0 લાખ બીસીસીઆઇ ચૂકવે છે. જે પુરુષ ખેલાડીના સૌથી નીચેના ગ્રેડની રકમથી પણ ઓછા છે.

Panchang

dd