ભુજ, તા. 23 : ટ્રાન્સપોર્ટ
વાહનોને જીપીએસ સિસ્ટમમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવામાં આવી છે. રાજ્યના ખાણ-ખનિજ
વિભાગે જીપીએસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કરતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. કચ્છના
બેન્ટોનાઇટ મેન્યુફેક્ચરર એસોસિયેશન અને કચ્છ જિલ્લા ચાઇનાકલે એસો.ના સભ્યોએ ગાંધીનગર
કક્ષા સુધી રજૂઆત કરી પ્રશ્નનો ઉકેલ લાવી સફળતા મેળવી છે. ખાણ-ખનિજ કમિશનરે નેટવર્કનો
પ્રશ્ન ઉકેલાયા બાદ જ નવી સિસ્ટમ લાગુ કરાશે તેમ કહ્યું હતું. નવી જીપીએસ સિસ્ટમ 80 ટકા લાગુ થવાથી નેટવર્ક કનેક્ટિવિટીના અભાવે વાહનો
કનેક્ટ થઇ શકતા નહોતાં. ક્યારેક વાહનો 24 કલાક
કે વધુ સમય સુધી એમને એમ પડયા રહેતાં ટ્રકમાલિકો, લીઝધારકો તેમજ
પ્લાન્ટધારકોને આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. ખાણ-ખનિજ વિભાગના કમિશનરને રૂબરૂ
મળી બંને એસો.ના સભ્યોએ રજૂઆત કરી હતી. એસો.ના સભ્યોએ કહ્યું કે, નેટવર્ક કનેક્ટિવિટીનો પ્રશ્ન પૂર્ણપણે ઉકેલાય નહીં ત્યાં સુધી હંગામી ધોરણે
મુક્તિ આપવાની માંગનો કમિશનરે સ્વીકાર કર્યાનું કચ્છ બેન્ટોનાઇટ મેન્યુફેક્ચરર એસો.ના
પ્રમુખ વિપુલ ભાનુશાલી અને કચ્છ ચાઇનાકલે પ્રમુખ ગોકુલ ડાંગરે વિગત આપતાં કહ્યું હતું. કચ્છમાં ચાઇનાક્લે
ઉદ્યોગ અને બેન્ટોનાઈટ ઉદ્યોગ લોકોને રોજગારી અને મોટા પ્રમાણમાં સરકારને રોયલ્ટીનાં
માધ્યમથી રેવન્યૂ જનરેટ કરી રહ્યો છે જેમાં અચાનક જીપીએસ પદ્ધતિમાં ફેરફાર કરવામાં
આવતાં રોયલ્ટી જનરેટ કરવામાં અને ટ્રાન્સપોર્ટેશનમાં મુશ્કેલી થઈ રહી હતી. કચ્છ જિલ્લા
ચાઇનાક્લે એસોસિયેશનના પ્રમુખ ગોકુલભાઈ ડાંગરની આગેવાનીમાં સ્થાનિકે રજૂઆત કર્યા બાદ
ગાંધીનગર કમિશનરને રજૂઆત કરાઇ હતી. બેન્ટોનાઇટ એસોસિયેશનના પ્રમુખ વિપુલભાઈ ભાનુશાલી
અને ટ્રક-ડમ્પર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ અરાવિંદભાઈ જાટિયા સાથે આગેવાનોએઁ
કમિશનર ધવલ પટેલને રજૂઆત કરી કચ્છની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ કરાયા હતા. કચ્છ ચાઇનાક્લે
ઉદ્યોગ અને બેન્ટોનાઇટ ઉદ્યોગને પડતી મુશ્કેલી બાબતે સાંસદ વિનોદભાઈ ચાવડા,
રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ,
ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે
દ્વારા પણ ટેલિફોનિક વાતચીત કરી કમિશનરને અવગત કરાયા હતા અને તેનું નિરાકરણ લાવવા જણાવ્યું
હતું. પ્રતિઉત્તરમાં કમિશનર ધવલ પટેલે આ સમસ્યાના નિરાકરણ માટે જે વિસ્તારોમાં નેટવર્ક
પ્રોબ્લેમ હોય તેનો સર્વે કરવામાં આવે અને તે વિસ્તારમાં જીપીએસના ડેટામાં પ્રોબ્લેમ
ન થાય તે માટે બ્લેકઆઉટ ઝોન ડિફાઇન કરી અપડેટ કરવામાં આવશે અને ત્યાં સુધી જીપીએસ સિસ્ટમ
જે રીતે સરળતાથી ચાલી શકે તે રીતે ફરીથી કાર્યરત કરવામાં આવશે. આ રજૂઆત પ્રસંગે કચ્છ
જિલ્લા ચાઇનાક્લે એસોસીએશનના ઉપપ્રમુખ શામજીભાઈ ઢીલા, શિવજીભાઈ
બરાડિયા, ભરતભાઈ ડાંગર, ખજાનચી મોહિતભાઈ
સોલંકી, સહમંત્રી દીપક ડાંગર તથા આગેવાનો હરિભાઈ જાટિયા,
સતીશભાઈ છાંગા, આલાભાઇ છાંગા, માવજીભાઈ આહીર, હરિભાઈ ડાંગર, પૂનમભાઈ
મકવાણા, બેન્ટોનાઈટ એસો.ના હોદ્દેદારો અજયભાઈ પટેલ, હિમાંશુ દેઢિયા, રાજશેખર, મલિક
હિંગોરા, દિલીપ સેંઘાણી સહિત જોડાયા હતા.