ભુજ, તા. 23 : કચ્છના
ઊગતા ખેલાડીઓની પ્રતિભાને નિખારવા માટે છેલ્લા ચાર દાયકાથી યોજાતી કચ્છમિત્ર એન્કર
કપની મંગળવારે મસ્કાના બચુભાઈ રામ્ભીયા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આર.ડી.
વરસાણી-ભુજ અને વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલ-ભુજ વચ્ચે રમાયેલા રોમાંચક મુકાબલામાં
સતત રસાકસી જામ્યા બાદ આર.ડી. વરસાણીએ 94 રનનું લક્ષ્ય આપ્યા બાદ વ્હાઈટ
હાઉસને 1 રને હરાવી આર.ડી.એ ચોથી વખત ફાઈનલની ટ્રોફી કબજે કરી હતી.
માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવીએ ટોસ ઉછાળ્યો હતો. આર.ડી વરસાણીએ ટોસ
જીતીને બેટિંગની પસંદગી કરી હતી. ટીમના કેપ્ટન અને મેન ઓફ ધ મેચ રહેલા ભૂપેન્દ્ર
કેરાઈએ 22 દડામાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા
સાથે 30 રન, જ્યારે અનીસ કેરાઈએ 25 દડામાં 3 ચોગ્ગા
સાથે 20 રન, તો યશ કેરાઈએ 10 દડામાં 3 ચોગ્ગા
સાથે 14 રન કર્યા હતા. વ્હાઈટ હાઉસ વતી સેકન્ડ મેન ઓફ ધ મેચ
હર્ષદીપસિંહ ઝાલાએ 4 ઓવરમાં 10 રન આપી 3 વિકેટ, પર્વ પટેલે 4 ઓવરમાં 25 રન આપી
2 વિકેટ, રીસીત ઠક્કરે 4 ઓવરમાં 16 રન આપી
1 વિકેટ, જ્યારે નયન બરાડિયાએ 4 ઓવરમાં 21 રન આપી
1 વિકેટ
લીધી હતી. આર. ડી.એ 20 ઓવરમાં 8 વિકેટ
ખોઈ 94 રન બનાવ્યા હતા. જીતના ઈરાદે મેદાનમાં ઊતરેલી વ્હાઈટ હાઉસની
ટીમ તરફથી ધર્મરાજ પંડયાએ 41 દડામાં 2 ચોગ્ગા
સાથે 27 રન, તો પર્વ પટેલે 43 દડામાં 1 ચોગ્ગા
સાથે 23 રન અને ધ્રુવ ગણાત્રાએ 9 દડામાં 1 ચોગ્ગા
સાથે 12 રન બનાવ્યા હતા. એક તબક્કે વ્હાઈટ હાઉસનું પલડું ભારે થયું
હતું, પરંતુ
આર. ડી.ના બોલરોએ પકડ મજબૂત કરતાં મુકાબલો જામ્યો હતો. સુનીલ પીંડોળિયાએ 4 ઓવરમાં 8 રન આપી 2 વિકેટ
ખેરવી હતી, તો
માધવ હીરાણીએ 4 ઓવરમાં 25 રન આપી
2 વિકેટ, ભુપેન્દ્ર કેરાઈએ 4 ઓવરમાં 15 રન આપી
1 વિકેટ
અને અનીસ કેરાઈએ 4 ઓવરમાં 17 રન આપી 1 વિકેટ
લીધી હતી. એક-એક દડામાં જીતનો દાવેદાર બદલવાની શક્યતાથી ભરેલી આ મેચમાં વ્હાઈટ
હાઉસે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 93 રન
બનાવતાં માત્ર 1 રનથી આર. ડી. વરસાણીની જીત થઈ હતી. એમ્પાયર તરીકે રીના મોતા, દીપ પેથાણી, સ્કોરર તરીકે ભવ્ય મહેતા, જય મોતા, જ્યારે કોમેન્ટેટર તરીકે નીતેશ ગોસ્વામી, અશોક રાવલે
સેવા આપી હતી.