નવી દિલ્હી, તા. 23 : મનરેગાનું
નામ બદલીને જી રામ જી રાખવાના વિવાદ વચ્ચે હવે એક સીપીઆઈના રાજ્યસભા સાંસદ જોન
બ્રિટાસે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવતાં દાવો કર્યો છે કે, સરકાર ભારતીય ચલણી નોટો
પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી પણ કરી રહી છે. જોન બ્રિટાસે મીડિયા
સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે, ચલણી નોટો પરથી
ગાંધીજીની તસવીર હટાવવા માટેની પ્રારંભિક તૈયારી થઈ ચૂકી છે. `ઉચ્ચ
સ્તરે આ અંગે પ્રથમ તબક્કાની ચર્ચા પણ થઈ ગઈ છે. આ માત્ર અટકળો નથી, પરંતુ દેશના પ્રતીકોને
ફરીથી લખવાના એક મોટા ષડયંત્રનો ભાગ છે. સરકાર ગાંધીજીના બદલે ભારતની વિરાસત
દર્શાવતા અન્ય પ્રતીકો લાવવા પર વિચાર કરી રહી છે.' જો કે,
2022માં
પણ જ્યારે એવી ચર્ચાઓ ઊઠી હતી કે નોટો પરથી ગાંધીજીની તસવીર હટાવી દેવામાં આવશે, ત્યારે આરબીઆઈએ આ
અહેવાલોને સદંતર ફગાવી દીધા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે, ગાંધીજીની
તસવીર બદલીને અન્ય કોઈ વ્યક્તિનો ફોટો મૂકવાનો કોઈ જ પ્રસ્તાવ નથી. હાલમાં સરકારે `મનરેગા'નું નામ બદલીને તેને `રોજગાર
અને આજીવિકા મિશન (ગ્રામીણ)'
એટલે કે વીબી-જી રામ જી બિલમાં ફેરવી દીધું છે. વિપક્ષનો આરોપ છે કે
સરકાર દરેક જગ્યાએથી ગાંધીજીનું નામ ભૂંસી નાખવા માટે જ આ બધું કરી રહી છે.