મુંદરા, તા. 23 : અહીં તાલુકા પંચાયત ખાતે આજે મળેલી સામાન્ય સભામાં
વર્ષ 2026-27ના 19 કરોડની પુરાંતવાળા અંદાજપત્ર અને વાર્ષિક હિસાબોને
બહાલી અપાઈ હતી. આ સાથે સભામાં મુંદરા તાલુકાના ટ્રાફિક, ગૌચર દબાણ, ખાનગી કંપની દ્વારા કર્મચારીઓનું શોષણ અને પ્રદૂષણ, સ્થાનિક રોજગારી,
પર્યાવરણ સહિતના પ્રશ્નો વિપક્ષ સાથે સત્તા પક્ષના સભ્યો દ્વારા પણ ઊઠાવવામાં
આવ્યા હતા. જેને પંચાયત તરફથી ઠરાવો તેમજ યોગ્ય સૂચનાઓ દ્વારા ઉકેલની ખાતરી અપાઈ હતી.
મુંદરા તા. પં. પ્રમુખ મહિપતાસિંહ ગાભુભા જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં
નાયબ હિસાબનીશ અજિતાસિંહ જાડેજાએ અંદાજપત્રનું વાંચન કર્યું હતું. તાલુકામાં ગૌચર જમીન
પર દબાણનો મુદ્દો ઊઠયા બાદ પ્રમુખ શ્રી જાડેજાએ આ દબાણ કરેલી ગૌચર જમીનો પાછી મેળવવા
સૌએ એકજૂટ થઈને સહિયારા પ્રયાસો કરવાની હિમાયત
કરી હતી. આ પહેલાં વિપક્ષી નેતા નવીનભાઈ ફફલ તથા વિપક્ષ અને સત્તા પક્ષના સભ્યો દ્વારા
ભદ્રેશ્વરમાં ખાનગી એકમ દ્વારા કર્મચારીઓને અન્યાય, પ્રાગપુર
પાસે અતિશય ટ્રાફિકને લીધે પોલીસ કર્મીઓની તૈનાતીની માગણી, કંપનીઓ
દ્વારા સ્થાનિક રોજગારી, પ્રદૂષણ, પાવાપુરીથી
ખારી મીઠી રોડ પરનો ટ્રાફિક તેમજ ઇ- ધરા કેન્દ્રને લગતા પ્રશ્નો પણ આ તાલુકા પંચાયતના મંચ પર ઉઠાવાયા હતા. જિલ્લા પંચાયત
સદસ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાએ પણ ભદ્રેશ્વરમાં કંપનીઓ દ્વારા ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને
પણ કંપની યોગ્ય જવાબો ન આપતી હોવાથી તંત્રના કડક પગલાં મુદ્દે રજૂઆત કરી હતી. આ પ્રસંગે
મુંદરા તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી, ઉપપ્રમુખ સોમાભાઈ
રબારી, કારોબારી ચેરમેન યુવરાજાસિંહ જાડેજા, સભ્યો દિનેશભાઈ દાફડા, રમીલાબેન માતંગ, અબ્દુલ રસીદ, અલીમામદભાઈ, અલ્તાફ
રેલિયા, રતનભાઇ ગઢવી વિ. ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના
કો-ઓર્ડિનેટર ફરીદ ખોજા અને સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી.