• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

યમદૂતસમા વાહનો વિરુદ્ધ કાર્યવાહીમાં તંત્ર વામણું

મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 23 : પૂર્વ કચ્છના બેફામ, તોતિંગ વાહનો, ઓવરલોડ વાહનો તથા નંબર પ્લેટ વગર અને કાળા કાચવાળી ગાડીઓ બેરોકટોક દોડી રહી છે. આવા વાહનોને રોકી તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવાની જવાબદારી જેના શિરે છે, તે જિલ્લા, સિટી ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ. તંત્ર ભરપૂર ઊંઘમાં હોવાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર, આદિપુર, ભચાઉ, રાપર, સામખિયાળી વગેરે વિસ્તારોમાં ધાર્મિક લખાણોવાળી નંબર પ્લેટ તથા કાળા કાચવાળી ગાડીઓ બેફામ દોડી રહે છે. થોડો સમય અગાઉ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા સમગ્ર રાજ્યમાં આવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા કાર્યવાહીની સૂચના

ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન ઉપરાંત માર્ગ સલામતી સામે પડતરરૂપ જોખમ આવા વાહનો સર્જે છે. અકસ્માત સમયે આવા વાહનોની ઓળખ કરવા પણ મુશ્કેલ બને છે તથા વાહનચાલકોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. નંબર પ્લેટ ન હોવાથી હિટ એન્ડ રનના બનાવો પણ વધતા જાય છે. આવા વાહનચાલકો સામે નિયમિત તપાસ, વિશેષ ડ્રાઈવ તથા દંડાનાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હોવા છતાં તંત્રની આળસ ઊડતી નથી જેના કારણે આવી અનેક ગાડીઓ બેફામ બની છે.

ઓવરલોડ વાહનો લોકો માટે યમદૂત સમાન

પૂર્વ કચ્છમાં ઓવરલોડ વાહનો માતેલા સાંઢની માફક દોડી રહ્યા છે. આવાં વાહનો થકી અનેક લોકોના જીવ ખપ્પરમાં હોમાયા છે અને અકાળે લોકોએ જીવ ખોયા છે, પરંતુ આવાં વાહનો સામે કડક કાર્યવાહી ન કરાતી હોવાનું સમજાય છે.

સર્વિસ રોડ પર ભારે વાહનોનો ખડકલો

ગાંધીધામના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે આવેલા સર્વિસ રોડ ઉપર તોતિંગ વાહનો ઊભાં રાખવાની મનાઈ હોવા છતાં ધોરીધરાર અહીં મોટાં વાહનો પાર્ક કરાય છે. અનેક વખત ધોરીમાર્ગ ઉપર પણ વાહનો ખડકી દેવામાં આવે છે, જેના કારણે અનેક વખત ટ્રાફિકજામ તથા અકસ્માતો સર્જાય છે. લોકોને નજરે પડતાં આવાં વાહનો ટ્રાફિક પોલીસને નહીં દેખાતાં હોય તેવી રમૂજી ટીખળ લોકો કરતા હોય છે.

પોર્ટ-કંપનીઓનાં વાહનોના ફાલ્કા જોખમરૂપ

કંડલા બંદર તથા ગાંધીધામ, અંજાર, ભચાઉ આસપાસ આવેલી અમુક કંપનીઓમાં માલ પરિવહન કરતાં તોતિંગ વાહનોના પાછળના ફાલ્કા ખુલ્લા હોય છે. અમુકમાં તો હોતા જ નથી. આવાં વાહનો પાછળ આવતા દ્વિચક્રીય વાહનચાલકો માટે જોખમકારક સમાન છે. પરંતુ આવાં વાહનો સામે કોઈ જ કાર્યવાહી ન કરાતાં આ વાહનો બેફામ દોડતા નજરે પડે છે. આવા વાહનોમાં લોડ કરાયેલ સળિયા, બોરીને અન્ય વસ્તુ પાછળ આવતા નાના વાહનચાલકો ઉપર પડવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.

ટ્રાફિક વિભાગમાં આર્મ્ડ પોલીસ દ્વારા થતી કામગીરી

પૂર્વ કચ્છમાં અમુક જગ્યાએ ટ્રાફિક વિભાગમાં હથિયારી પોલીસકર્મીઓની વર્ષોથી નિમણૂક કરાઈ છે. આવા કર્મીઓ પોઈન્ટ ઉપર કાર્યવાહી કરવા જાય ત્યારે બિન હથિયારી પોલીસકર્મીઓને ફાળવાયેલી રસીદ બુક લઈને જતા હોય છે, આવી રસીદ બુક ખરેખર હથિયારી પોલીસકર્મીઓને ફાળવાની નથી, ત્યારે તે જે-તે બિન હથિયારી કર્મચારીની રસીદ બુકથી કામ ચલાવે છે.

Panchang

dd