• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

સોના-ચાંદીમાં તેજીની સુનામી

નવી દિલ્હી, તા. 23 : વૈશ્વિક અનિશ્ચિતતા અને ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં ઘટાડાની આશા વચ્ચે સોના-ચાંદીએ આજે તેજીનો નવો વિક્રમ કરી નાખ્યો હતો. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતી ધાતુઓ આજે ફરી એકવાર આગઝરતી તેજી સાથે મોંઘી થઈ હતી. જેમાં એમસીએક્સ ઉપર ફેબ્રુઆરીમાં ડિલીવરીનાં 10 ગ્રામ સોનાનાં સોદા 1637 રૂપિયા એટલે કે આશરે 1.2 ટકાની તીવ્ર તેજી સાથે 138381 રૂપિયા થઈ ગયો હતો. બીજીબાજુ ચાંદીમાં માર્ચનાં કોન્ટ્રાક્ટ 3724 રૂપિયા એટલે કે 1.75 ટકાનાં ઉછાળા સાથે 216596 રૂપિયા પ્રતિ કિલોગ્રામનાં રેકોર્ડબ્રેક ભાવે થયા હતાં. દિલ્હીમાં સોનું રૂા. 2650ના મોટા ઉછાળા સાથે રૂા. 1,40,850 અને ચાંદી રૂા. 2750ના વધારા સાથે રૂા. 2,17,250 પર પહોંચી ગઇ છે. ભુજની સ્થાનિક બજારમાં સોનામાં રૂા. 2170નો  ઉછાળો થઈ રૂા. 1,41,000 જ્યારે ચાંદીમાં 1900નો વધારો થઈ રૂા. 13,600ના ભાવ રહ્યા હતા. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધી રહેલા ભૂરાજકીય તનાવ અને આગામી વર્ષમાં ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવે તેવી મજબૂત સંભાવનાને પગલે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ દાવ લગાવવા મજબૂર બન્યા છે અને તેનાં હિસાબે બુલિયન બજારમાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ તેજી જોવા મળી રહી છે. ભારતીય બજારની જેમ જ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોના-ચાંદીમાં ધગધગતી તેજી જોવા મળી હતી. કોમેક્સ ઉપર ફેબ્રુઆરીનાં સોનાનાં કોન્ટ્રાક્ટ 61.4 ડોલર વધીને 4530.8 ડોલર પ્રતિ ઔંસનાં નવા શિખરે પહોંચી ગયા હતાં. જ્યારે ચાંદીએ પણ 70 ડોલરનો મનોવૈજ્ઞાનિક આંકડો પાર કરી લીધો હતો. આંકડાઓ ઉપર નજર કરવામાં આવે તો વર્ષ 2025 કિંમતી ધાતુઓ માટે ઐતિહાસિક સાબિત થયું છે. આ વર્ષમાં સોનાનાં ભાવમાં આશરે 70 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. વર્ષ 1979 બાદ સોનાનું આ સૌથી મજબૂત વાર્ષિક પ્રદર્શન બનવાની રાહ ઉપર બુલિયન બજાર આગળ વધી રહી છે. સોનામાં ખરીદીની પડાપડી વચ્ચે ઈટીએફમાં રોકાણનાં પ્રવાહે તેજીને વેગ આપ્યો છે. હવે રોકાણકારોની નજર અમેરિકાનાં ત્રીજા ત્રિમાસિક સમયગાળાનાં જીડીપીનાં આંકડા ઉપર ટકેલી છે કારણ કે તે જ અમેરિકાનાં અર્થતંત્ર અને ફેડરલ રિઝર્વની નાણા નીતિની દિશા નક્કી કરશે.

Panchang

dd