• રવિવાર, 29 નવેમ્બર, 2026

નખત્રાણા તા.માં સિંચાઇનાં બે કામનું ખાતમુહૂર્ત

નખત્રાણા, તા.28 : તાલુકાનાં ગેચડા ગામે શરણનાથ મોટો ચેકડેમનાં નિર્માણ માટે તથા બિબ્બર ગામના હેમારા તળાવ સુધારણા કામ માટે રૂા.26.81 લાખ સાથે કુલ 124.93 લાખની રાજ્યના સિંચાઇ વિભાગે દરખાસ્ત મંજૂર કરતાં ધારાસભ્ય પ્ર્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે લોકોને કોઇ પણ વિકાસકામ બાકી નહીં રહે તેવી ખાતરી આપી હતી.નખત્રાણા, લખપત અને અબડાસાનાં 460 ગામ ધરાવતા સૌથી મોટા અબડાસા વિધાનસભા વિસ્તારમાં રસ્તા, શિક્ષણ, આરોગ્ય, સિંચાઇ-જળ, ખેતી, પશુપાલનના વિકાસનાં કામોથી ઇતિહાસ સર્જાયો હોવાનું ખાતમુહૂર્ત પ્રસંગે સમારોહને સંબોધતાં ધારાસભ્ય શ્રી જાડેજાએ જણાવી હજુ તેમના એક વર્ષના બાકી કાર્યકાળ દરમ્યાન મોટાં કામો વહીવટી પ્રક્રિયામાં છે.તંત્રના નિયત દરથી કોન્ટ્રાકટરો દ્વારા ઊંચા ભાવ ભરાતા હોવાથી વિકાસકામોમાં વિલંબ થતો હોવાનું તેમણે ઉમેર્યું હતું.આવતાં વર્ષે આ ક્ષેત્રના બધા ડેમ નર્મદાનાં પાણીથી ભરાયેલા હશે તેવો વિશ્વાસ અપાવતાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં લોકોનાં કામ કરે તેવા સરપંચો અને સભ્યોને ચૂંટવા અનુરોધ કરવા સાથે ગ્રામ પંચાયતો બિનહરીફ-સમરસ બનાવવા જણાવ્યું હતું.જાબરી નદીની કેનાલમાંથી પાણીચોરી ન થાય તે માટે પાઇપલાઇન દ્વારા વાડી-ખેતરો સુધી સિંચાઇનું પાણી પહોંડવા અલગથી ગ્રાન્ટ ફાળવાશે.ગેચડામાં શરણનાથ મંદિરે યોજાયેલા સમારોહમાં મહંત જ્વાલાનાથજીએ અને બિબ્બરના સમારોહમાં ડુંગરશી ભગત આશ્રમના મહંત જગજીવનદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા.આ પ્રસંગે નખત્રાણા તા.ભાજપ પ્રમુખ ધર્મેશભાઇ કેશરાણી, મહામંત્ર હરિસિંહ રાઠોડ, પાલિકા પ્રમુખ વસંતભાઇ વાઘેલા, લાલજીભાઇ રામાણીએ વિકાસકામો માટે ધારાસભ્યની કાર્યપ્રણાલીને બિરદાવી હતી, તો જાબરી ડેમ માટેની 40 વર્ષની માંગ ધારાસભ્યના પ્રયત્નોને કારણે પૂર્ણ થયાનું ખાનજી જાડેજાએ જણાવ્યું હતું.માધુભા જાડેજાએ ધારાસભ્ય શ્રી જાડેજાના પ્રયત્નોથી અશક્ય વિકાસકામો પરિપૂર્ણ થતાં તેમનું ઋણ ચૂકવવા સૌને એકજૂટ રહેવા અનુરોધ કર્યો હતો.સિંચાઇ વિભાગના ઇન્ચાર્જ કા.પા.ઇજનેર સોનુકુમારે જાબરી નદી પુલ નિર્માણની વિગતો આપી હતી.ખાતમુહૂર્ત વિધિ શાત્રી હરેશ મારાજે કરાવી હતી.પૂર્વ સરપંચ રણજિતસિંહ જાડેજા, તા.ભાજપ ઉપપ્રમુખ ચેતનભાઇ ઠક્કર, વંગના પૂર્વ સરપંચ મોહનભાઇ આહીર, તા.પં.ન્યાય સમિતિના ચેરમેન જશોદાબેન બળિયા, હાજી મામદ ખત્રી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.સંચાલન તા.ભાજપ મંત્રી હરિસિંહ રાઠોડ, બિબ્બરના લાધુભા જાડેજાએ, આભારવિધિ બિબ્બરના સરપંચ નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang