નવી દિલ્હી, તા.28 : દેશભરમાં
બહુચર્ચિત બની ચૂકેલા મહત્ત્વાકાંક્ષી સીમાંકન વિધેયકને પસાર કરાવવાનો પંથ મોદી સરકાર
માટે સરળ બનતો જઇ રહ્યો હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે.વિપક્ષી વિરોધથી મચેલાં રાજકીય
ઘમસાણ વચ્ચે અત્યાર સુધી જ્યાંથી વિરોધ થઇ રહ્યો હતો, તે દક્ષિણ ભારતમાંથી પાંચ પક્ષોએ સંસદનાં વિશેષ
સત્રના બે દિવસ પહેલાં સીમાંકન ખરડાને સમર્થનનું એલાન કરી નાખ્યું છે.એક સાથે પાંચ
પક્ષો પડખે આવી જતાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવાજમાં પણ મહત્ત્વાકાંક્ષી વિધેયકની
પરીક્ષામાંથી પાર પડવાનો આત્મવિશ્વાસ વર્તાયો હતો.તામિલનાડુના મુખ્યમંત્રી અને દ્રમુક
વડા એમ.કે.સ્ટાલિને પક્ષના સાંસદોની બેઠક બાદ સીમાંકન, મહિલા
અનામત વિધેયકને સમર્થન આપવાની ઘોષણા કરી હતી.એ જ રીતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને
ટીડીપી સુપ્રીમો ચંદ્રાબાબુ નાયડુએ દિલ્હીમાં પત્રકાર પરિષદ કરી, સીમાંકનને ઐતિહાસિક પહેલ લેખાવી હતી.
નાયડુએ પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે, માત્ર વસ્તીના આધારે સીમાંકન થાત તો દક્ષિણ ભારતના રાજ્યોને નુકસાન થઇ શકતું
હતું, પરંતુ 50 ટકા બેઠક વધારવાની ફોર્મ્યુલાએ આવી આશંકા દૂર કરી દીધી છે.બીઆરએસના કાર્યકારી
અધ્યક્ષ કે.ટી.રામારાવે પણ સમર્થનમાં કહ્યું હતું કે, તેલંગાણાની બેઠકો 17થી વધીને 26 થવાથી રાજ્યનો અવાજ મજબૂત બનશે.જેડીએસ નેતા અને કેન્દ્રીય મંત્રી એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું હતું કે, સંસદમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ મજબૂત બનશે.જનસેના પ્રમુખ પવન કલ્યાણે આ ખરડાને લોકતંત્ર માટે મોટી પહેલ લેખાવ્યો હતો.આમ,
દ્રમુક, બીઆરએસ, વાયએસઆરસીપી,
ટીડીપી, જનસેના અને જેડી (એસ)ના સમર્થન સાથે દક્ષિણ
ભારતીય રાજ્યોના લગભગ 60 ટકા સાંસદ
સીમાંકનના પક્ષમાં છે.કર્ણાટક, તામિલનાડુ,
તેલંગાણા, કેરળ અને આંધ્રપ્રદેશ એમ પાંચ રાજ્યોના
129માંથી 75 સાંસદોએ લોકસભા બેઠકો 50 ટકા વધારવાની પહેલનું સમર્થન
કર્યું છે.