સફાઈની તકેદારી રાખવા, પ્રવાસીઓની સુવિધામાં અડચણ ન આવે તેવી સૂચના સાથે કલેક્ટરે સમીક્ષા કરી
ભુજ, તા. 18 : કચ્છ
રણોત્સવનાં આયોજન માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા રણોત્સવ
કોર કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. રણોત્સવ દરમિયાન દેશ-વિદેશથી કચ્છ આવતા પ્રવાસીઓનો
અનુભવ સુખદ બને તે માટેની તમામ પ્રાથમિક સુવિધાઓ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
કચ્છની મુલાકાત દરમિયાન પ્રવાસીઓને કોઈ જ મુશ્કેલી ન પડે તે રીતે આયોજન સાથે કામગીરી
કરવા માટે કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કરીને માર્ગદર્શન પૂરું પાડયું
હતું. 16 ટીમની
રચના કરીને વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, પ્રવાસીઓની કચ્છની મુલાકાત યાદગાર રહે સાથે સાથે જ કચ્છનાં પ્રવાસન સ્થળો ખાતે
સ્વચ્છતા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. કચરાનાં વ્યવસ્થાપન માટેની ટીમોની કામગીરીની
સમીક્ષા કરી હતી. ઉપરાંત, વિવિધ જાગૃતિ કાર્યક્રમોનાં માધ્યમથી
નિયત જગ્યાએ જ કચરો ફેંકાય તે અંગે પ્રવાસીઓને માહિતગાર કરવા જણાવ્યું હતું. પ્રવાસન
સ્થળોની આસપાસનાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવા સૂચના આપી હતી પ્રવાસીઓ માટે પીવાનું
પાણી ઉપલબ્ધ કરાવવા અને યોગ્ય સેનિટેશન વ્યવસ્થા અંગે કલેક્ટરે સંબંધિત વિભાગોને સૂચનાઓ
આપીને વધુ સુદૃઢ આયોજન કરવા જણાવ્યું હતું. `નો-પ્લાસ્ટિક ઝોન'ના નિયમો અને જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરાવવા ગ્રામ પંચાયત અને સંબંધિત
વિભાગને સૂચના આપી હતી. તેઓએ રણોત્સવ દરમિયાન એકત્ર થતા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ
કરવા અને સફેદ રણની સુંદરતા જાળવવા સફાઈ વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા સ્થાનિક તંત્ર અને
સ્વચ્છતા સમિતિને માર્ગદર્શન પૂરું પાડયું હતું. સફેદ રણ સહિત ધોરડો, રોડ ટુ હેવન અને ધોળાવીરામાં ગંદકી ફેલાવનારા સામે દંડનીય કાર્યવાહી કરવા અધિકારીઓ
અને ગ્રામ પંચાયતોને જણાવ્યું હતું. સબરસ બસ સ્ટેન્ડ ખાતે પ્રવાસીઓ બસમાં બેસીને વોચ
ટાવર સુધી પહોંચી શકે તે માટે યોગ્ય બેરીકેડિંગ કરાવવા અને રણોત્સવ સંદર્ભે બહાર પાડવામાં
આવેલાં જાહેરનામાઓની અસરકારક અમલવારી સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને માર્ગદર્શન અને
જરૂરી સૂચનો આપ્યાં હતાં. રણોત્સવ દરમિયાન વિવિધ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપીને
પ્રવાસીઓને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અસરકારક આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી
અતિરાગ ચપલોત, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા,
નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, આરટીઓ અધિકારી
અનિલ ગોસ્વામી, ભચાઉ મદદનીશ કલેક્ટર અભિષેક પ્રમોદ તલે,
નાયબ જિલ્લા વિકાસ અધિકારી આસ્થા ડાંગર અને માધુરી પટેલ, ભુજ પ્રાંત અધિકારી એમ.જે. નાકિયા, નાયબ પોલીસ અધિક્ષક
ડો. વિશ્વા શાહ, માર્ગ અને મકાન અધિક્ષક ઈજનેર કે.પી. નાઈ,
જિલ્લા આયોજન અધિકારી જિતેન્દ્ર રાવલ સહિત સમગ્ર વહીવટીતંત્રના ઉચ્ચ
અધિકારીઓ અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના ઉચ્ચ અધિકારીઓ, તમામ
કમિટીના વડા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી ઉપસ્થિત રહ્યા
હતા.