• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

કચ્છના 38 હજાર સર્વે નંબર માટે માપણી વધારાનો ઉકેલ હાથવેંતમાં

1966-77માં ખેતીવાડીની માપણી વખતે રહેલી વિસંગતતા અડચણરૂપ પ્રીમીયમ રદ થવું જોઈએ ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલની મુખ્યમંત્રી પાસે વિસ્તૃત ચર્ચા કચ્છના કલેકટરનો સંકેત : નિર્ણય આવી શકે તેમ છે

ભુજ, તા. 18 : કચ્છમાં ખેતીવાડીની જમીનોમાં એક સમયે થયેલા સર્વે બાદ બદલાયેલા સંજોગોના વર્તમાન ટાંકણે માપણી વધારાનું ભૂત ધૂણવા લાગ્યું છે ત્યારે વિકાસમાં બાધારૂપ આ મામલો આખરે મુખ્યમંત્રી સમક્ષ પહોંચ્યો છે. ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ સમક્ષ કચ્છના ખેડૂતો કે ડેવલોપર્સ દ્વારા ઉઠાવાયેલા મુદ્દાને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવતાં આવનારા એકાદ મહિનામાં ઉકેલ હાથવેંતમાં આવી શકે તેમ છે. કચ્છમાં 38 હજાર ખેતીવાડીના સર્વે નંબરોમાં અલગ-અલગ જમીન માપણીનો માપણી વધારાનો વિષય નડી રહ્યો છે ત્યારે ઉકેલની દિશામાં નિર્ણય આવે તેવી શક્યતા છે. અહીં એ નોંધનીય છે કે, છેલ્લા મહિનાઓમાં કચ્છમિત્રએ આ વિસંગતતા વિશે સિલસિલાબદ્ધ અહેવાલ પ્રસિદ્ધ કરીને તંત્રનું ધ્યાન દોર્યું હતું. આ મુદ્દે ધારાસભ્ય કેશુભાઇએ વિસ્તૃત વિગતો આપીને કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ રસપૂર્વક વિષયની વાત સાંભળીને તુરંત સીએમ કાર્યાલયના સનદી અધિકારીઓ વિક્રાંત પાંડે તથા ધીરજ પારેખને બોલાવી ઉકેલ લાવવા જણાવ્યું હતું.

કેશુભાઇએ કહ્યું કે, સૌથી પહેલાં તો માપણી વધારો એ સરકારને કોઇ નુકસાની નથી. ભૂતકાળમાં જ્યારે બે વખત માપણી થઇ હતી ત્યારે ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે પોતાની જમીનની વિઘોટી વગેરે ભરવામાં સક્ષમ ન હતા એટલે ઓછી માપણી કરાવી હતી. આજે પણ 7/12 વગેરેના ઉતારામાં પૂરી જમીન જે-તે ખેડૂતના ખાતે બોલે છે પરંતુ વેચસાટ કર્યા પછી જો તેને બિનખેતી વગેરે કરાવવા હોય તો ઓછી માપણીનો વિષય સામે આવે છે. આવા વખતે ડેવલોપર્સને લાંબી કવાયત કરવી પડે છે. કારણ કે જિલ્લા કક્ષાએ માત્ર 15 લાખ રૂપિયાની મર્યાદા હોવાથી વધી ગયેલ જંત્રીના કારણે મોટાભાગના કેસ સરકારમાં જાય છે. તેમણે અધિકારીઓને સમજાવ્યું કે, સરકાર પાસેથી એક પણ ઇંચ જમીન લેવાની નથી, કોઇ સરકારી જમીન આવતી નથી અને સરકારને કોઇ નુકસાન નથી. ખેડૂતોનાં ખાતાંમાં પણ એ જમીન બોલે છે, કબજો છે, પછી શા માટે આ માપણી વધારો લાદવામાં આવ્યો છે. વળી આ માપણી વધારો રાજ્યમાં માત્ર કચ્છમાં જ છ તાલુકામાં છે એટલે સામૂહિક ધોરણે એક હુકમ કરવામાં આવે અને માપણી વધારાના પ્રીમિયમ રદ કરવામાં આવે તો કચ્છના 38 હજાર ખેડૂતોને પોતાના હક્ક મળી શકે તેમ છે એમ શ્રી પટેલે જણાવ્યું હતું.

બંને અધિકારીઓ પણ સમજી ગયા છે અને કચ્છના કલેક્ટર અનિલ રાણવાસિયા સાથે પરામર્શ કર્યો છે તો એવું લાગે છે કે, નિર્ણય હવે કચ્છના હાથવેંતમાં છે. બસ ખેડૂતો માટે આ ત્રાસદાયક સમસ્યાનું નિરાકરણ આવે એ જ અમારી રજૂઆત છે એમ તેમણે જણાવ્યું હતું.આ મુદ્દાને લઇ કલેક્ટર શ્રી રાણવાસિયાએ જણાવ્યું હતું કે, કચ્છમાં ખેતીવાડીના કુલ 2.73 લાખ ખેતીવાડીના સર્વે નંબર છે તેમાંથી 38 હજાર સર્વે નંબરવાળી જમીનોમાં માપણી વધારો નડે છે.

ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર અને લખપત તાલુકામાંથી કિસ્સા સામે આવે છે. હવે આ 38 હજાર સર્વે નંબરવાળામાં પણ દરેકના અલગ-અલગ એકર છે, જ્યારે બિનખેતી વખતે આવે ત્યારે માપણી વધારો આવે ને પ્રીમિયમ ભરવાનું હોય છે. અત્યારે 4 એકર અને 15 લાખની સત્તા અમારી પાસે છે પરંતુ જંત્રીના ભાવ બમણા થઇ ગયા હોવાથી મોટાભાગના કિસ્સામાં અહીં નિર્ણય લેવાતો નથી એટલે ફાઇલ ગાંધીનગર મોકલવામાં આવે છે. હવે શું ઉકેલ આવી શકે આ સવાલ સામે કલેક્ટરે જણાવ્યું કે અમે બે ભાગ પાડયા છે અને પ્રસ્તાવ મૂક્યો છે. એક એવી જમીનો છે જ્યાં આસપાસમાં ખાનગી માલિકીનાં ખેતરો છે, બાકીના સરકારી જમીનોને અડીને આવ્યા હોય તેવા. આ અંગે દરખાસ્ત કરી મર્યાદા 50 લાખની અથવા 15 એકર કરવામાં આવે અને હકારાત્મક દિશામાં સંભવત: ઉકેલ આવી શકે તેમ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd