• બુધવાર, 18 નવેમ્બર, 2026

ખેડૂતોને કનડતા પ્રશ્નો ઉકેલવા છેવટ સુધી લડી લેવાનો નિર્ધાર

નખત્રાણા ખાતે ભારતીય કિસાન સંઘના સ્નેહમિલનમાં ધરતીપુત્રોને જાગૃત રહેવા હાકલ કરાઈ

નખત્રાણા, તા. 17 : અહીંના રૂડીસતીમા સ્થાનક સંકુલમાં અખિલ ભારતીય કિસાન સંઘ નખત્રાણા સંગઠન સમિતિના ઉપક્રમે યોજાયેલ વાર્ષિક સામાન્યસભા તથા નૂતનવર્ષ મિલન પ્રમુખ જગદીશભાઈ કેસરાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયું હતું. જિલ્લા તાલુકા તેમજ વિવિધ ગ્રામીણ સમિતિના હોદ્દેદારો, આગેવાનો મોટી સંખ્યામાં આ મિલનમાં ઊમટયા હતા. નૂતન વર્ષની શુભેચ્છાના આદાનપ્રદાન સાથે કિસાનોને કનડતા પ્રશ્નોની ચર્ચા તથા ખાસ કરીને ખેતી, પશુપાલનના અસ્તિત્વને ટકાવી રાખવા નર્મદાનાં પાણીની ફાળવણી સામે ન્યાયી લડતની લડાઈ લડવા આગેવાનો દ્વારા હાકલ કરાઈ હતી. સુનીલ નાકરાણીએ સૌને આવકાર આપ્યો હતો. સંચાલન કરતા ભરતભાઈ નાથાણીએ એજન્ડાની રજૂઆતમાં સંસ્થાની વીતેલાં  વર્ષની ગતિવિધિ રજૂ કરી હતી. પ્રત્યેક ખેડૂતને પોતાના ખેતી વ્યવસાય ક્ષેત્રે પાણી, રસાયણિક ખાતરની મુખ્ય આવશ્યક્તા રહે છે. તેનો પૂરતા પ્રમાણમાં પુરવઠો જળવારઈ રહે તેમજ ખેડૂતોને પોતાની ખેતીની જમીન મહેસૂલ તંત્રના દફતરે પૂરી નોંધ થઈ છે કે નહીં તેની ખરાઈ સહિત અનેક કનડતા પ્રશ્નોની તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી તેવું નખત્રાણા તા. સંગઠનના પ્રમુખ શિવદાસભાઈ કેસરાણીએ જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું કે, કચ્છમાં સિંચાઈ માટે જરૂરી નર્મદાનાં પાણી મુખ્ય પ્રાણ પ્રશ્નમાં ખેડૂતોને ફાળવણીમાં પૂરો ન્યાય મળે તે માટે જાગૃત રહેવા હાકલ કરી હતી. નર્મદાનાં પાણી માટે મોટી લડાઈ લડવા ગાંધીનગર સુધી જવાની તૈયારી હોવાનું જણાવ્યું હતું. ક.જિ. સંગઠનના મહામંત્રી વાલજીભાઈ લીંબાણીએ જિલ્લા કિસાન સંગઠનની 48 વર્ષ પૂર્વે સ્થાપનાનાં વર્ષોમાં રાજ્ય સંગઠન લેવલે લેવાતા કિસાનોના વિકાસલક્ષી પ્રશ્નોમાં સંગઠન સક્રિય રહ્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા 19 જેટલા નાની-મોટી સિંચાઈ યોજનાના ડેમ બનાવવાની વહીવટી પક્રિયા કાર્યરત છે તેવું કહી ભગવાન બલરામના આદર્શોને અનુસરવા કહ્યું હતું. ડાયાભાઈ રૂડાણીએ 20 તારીખે ગાંધીનગર ખાતેના કિસાનભવનમાં યોજાનાર યજ્ઞ-પ્રદર્શન મિલનમાં વિશાળ આયોજનમાં કિસાનોને જોડાઈ શક્તિ પ્રદર્શનને સફળ બનાવવા તેણે અનુરોધ કર્યો હતો. અધ્યક્ષસ્થાનેથી જગદીશભાઈ કેસરાણીએ દુષ્કાળ પરિસ્થિતિમાંથી ઊગરવા સૌ અરસપરસ સહકારથી રહેવા જણાવી ભગવાન બલરામના રૂપમાં આરાધક કિસાનો એકમેક રહી વર્તમાન કઠિન પરિસ્થિતિનો સામનો કરવા કટિબદ્ધ રહેવા હાકલ કરી હતી. શ્રી કેસરાણીએ પ્રત્યેક ખેડૂત પોતાની વાડીના ઠામમાં ઘાસચારાનું વધુમાં વધુ વાવેતર કરે જેથી અબોલા ઢોર-પશુઓને રાહતરૂપ બને તેવી અપીલ કરી હતી. જિલ્લા ખ.વે. સંઘના ચેરમેન લાલજીભાઈ રામાણીએ નર્મદા યોજનાની કામગીરીની માહિતી આપતાં દરેક ખેડૂત પોતાના હક્કની જમીનની માપણી માત્ર સરકાર હસ્તક રહી નહીં, પણ પોતાના સર્વે નંબર મુજબ જાતે કરાવવા સૂચન આપ્યું હતું. ઈશ્વરભાઈ છાભૈયાએ વક્તવ્ય આપ્યું હતું. સમારોહમાં આર્થિક યોગદાનના દાતાઓને સન્માનિત કરાયા હતા. પૂર્વ પ્રમુખો ભગવાનદાસ પાંચાણી, રાજારામ લીંબાણી,  યુવા સંગઠનના રમેશ સુરાણી, સરસ્વતીબેન પટેલ, ભારતીબેન, નયનાબેન સુરાણી, મોહનભાઈ લીંબાણી, હરેશ સુરાણી, જગદીશ લીંબાણી સહિતનું સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય સમિતિના નીલેશ પાંચાણી, મનોજ માનાણી ઉપસ્થિત રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd