• સોમવાર, 16 નવેમ્બર, 2026

જીવદયાનું પવિત્ર ઝરણું ભુજમાં હવે કાયમ વહેશે

સાડા સાત કરોડના ખર્ચે નિર્માણાધિન પપી કડલ્સ ડોગ એન્ડ કેર અત્યાધુનિક હોસ્પિટલનું કચ્છ રાજપરિવારના મહારાણી પ્રીતિદેવીના હસ્તે ભૂમિપૂજન : સાડા ત્રણ કરોડનાં દાનની જાહેરાત

ભુજ, તા. 15 : અબોલ જીવોની સેવા, સારવાર અને શુશ્રૂષા માટે નિર્માણ પામનારી પપી કડલ્સ ડોગ એન્ડ કેટ હોસ્પિટલનાં નવા વિશાળ સંકુલનો ભૂમિપૂજન સમારોહ આજે અહીં કચ્છ રાજપરિવારનાં મહારાણી પ્રીતિદેવીના હસ્તે ભાવપૂર્ણ વાતાવરણમાં  સંપન્ન થયો હતો. ભુજ પાંજરાપોળ ટ્રસ્ટના ભૂમિ સહયોગથી આકાર લઇ રહેલા આ સેવા પ્રકલ્પ માટે મહારાણી પ્રીતિદેવી તરફથી રૂપિયા બે કરોડ તથા અન્ય દાતાઓ તરફથી રૂપિયા દોઢ કરોડ મળીને કુલ સાડા ત્રણ કરોડનું દાન સમારોહમાં જ જાહેર થયું હતું, જેને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જીવદયાપ્રેમીઓએ વધાવી લીધું હતું. સમારોહના પ્રારંભમાં અબોલજીવોના કલ્યાણ માટે હૃદયસ્પર્શી પ્રાર્થના કરી પીડિત જીવોને સમયસર સારવાર મળે તથા જીવદયાનું આ સેવાકાર્ય નિરંતર આગળ વધે તેવી ભાવના વ્યક્ત કરાઇ હતી અને ત્યારબાદ પપી કડલ્સનાં સ્થાપક દેવાંગીબેન મહેતાની વર્ષોની સંઘર્ષ અને સેવાયાત્રાને રજૂ કરતી લઘુ દસ્તાવેજી ફિલ્મ સૌએ નિહાળી હતી. અનેક પડકારો વચ્ચે શરૂ થયેલું આ સેવાકાર્ય આધુનિક હોસ્પિટલનાં નિર્માણકાર્યના તબક્કા સુધી પહોંચ્યાની ગાથા રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાડા સાત કરોડના માતબર ખર્ચે ભુજના એરપોર્ટ રિંગરોડ ખાવડા ચોકડી ખાતે નિર્માણ પામનારી આ નવી હોસ્પિટલ સંકુલના સ્વપ્નદૃષ્ટા અને સંસ્થાના ટ્રસ્ટી પ્રશાંતભાઇ જોશીએ પ્રકલ્પની રૂપરેખા રજૂ કરતાં પપી કડલ્સને એશિયાની નંબર વન ડોગ એન્ડ કેટ હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પ્રસ્તાવિત હોસ્પિટલમાં ઓપીડી, આધુનિક ઓપરેશન થિયેટર, લેબોરેટરી, એક્સ-રે, સોનોગ્રાફી સહિતની તમામ પ્રકારની આરોગ્ય સેવા ઉપલબ્ધ રહેશે. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ તેમની ગ્રાન્ટમાંથી  પાંચ લાખ તથા ધારાસભ્ય કેશુભાઇ પટેલે તેમની ગ્રાન્ટમાંથી પાંચ લાખ, જ્યારે પ્રદેશ મહામંત્રી-ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ પણ પ્રકલ્પ માટે તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી. નગરપતિ શીતલભાઇ શાહે પણ સહયોગ આપવાનું વચન આપ્યું હતું. સમારોહમાં રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, પ્રદેશ મહામંત્રી- ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ આહીર, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નગરપતિ શીતલભાઇ શાહ, ભુજ પાંજરાપોળ ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઇ પી. શાહ, રવિન્દ્રભાઇ સંઘવી, વલમજીભાઇ હુંબલ, વિનોદભાઇ સોલંકી, મનોજભાઇ સોલંકી, જોરૂભા રાઠોડ, હરિભાઇ હીરાભાઇ જાટિયા, નવીનભાઇ આઇયા અને તુલસીદાસભાઇ જોશી તેમજ રાજપરિવારના ઇન્દ્રજિતસિંહ જાડેજા, મયૂરધ્વજસિંહ જાડેજા, કૃતાર્થસિંહ જાડેજા, આરતીબા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દેવાંગીબેન મહેતા, પ્રશાંતભાઇ જોશી સાથે એલ.એન.એમ. લાયન્સ હોસ્પિટલના ભરતભાઇ મહેતા, લાયન અભયભાઇ શાહ અને સંસ્થાના ટ્રસ્ટી અનુપભાઇ કોટક (માધાપર), કમલબેન તુલસીદાસભાઇ જોશી સહપરિવારનો સક્રિય સહયોગ સાંપડયો હતો. જિલ્લા પશુ ઔષધ કેન્દ્રના વડા ડો. કુલદીપભાઈ છાટપાર તથા દિકેશભાઇ કાપડિયા સહયોગ આપી રહ્યા છે. કાર્યક્રમનું સંચાલન કાજલબેન ઠક્કર અને ડો. લક્ષ્મીબેન ઠક્કરે સંયુક્ત રીતે કર્યું હતું, જ્યારે આભારવિધિ રેશ્માબેન ઝવેરીએ સંપન્ન કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd