ભુજ સ્વામિ. મંદિર આયોજિત 23મી
યુવા શિબિરનો પ્રારંભ
ભુજ, તા. 15 : અહીંના
સ્વામિનારાયણ મહામંત્રને 225 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે, ત્યારે ભુજ કન્યા વિદ્યાલય ખાતે 23મી મહામંત્ર શિબિરનો પ્રારંભ
દીપ પ્રાગટય સાથે ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ કર્યો હતો. શિબિરના પ્રારંભ
સાથે વ્યાસપીઠ પરથી શાત્રી આનંદસ્વરૂપદાસજીએ જણાવ્યું કે, મનુષ્ય જીવન દરમિયાન વ્યક્તિની આસપાસ નેગેટિવ વિચારોનો ઘેરો વધતો હોવાથી ધાર્મિક
કાર્યોથી દૂર ધકેલાય છે, ત્યારે શિબિર યુવાધનમાં જડીબુટ્ટી જેવું
કામ કરે છે. બીજાં સત્રમાં ગોલોક-વિહારીજીએ યુવાઓ કઈ રીતે લોકોમાં પોતાનો પ્રભાવ પાડી
અને મન જીતવાની વાત સાથે કંટ્રોલ કરવાના ઉપાયો બતાવ્યા હતા. આજનો યુવક મન જીતવાની કળામાં
માહેર બને છે, તે દુનિયાના કોઈ પણ ખૂણે પાછો નથી પડતો,
તેવું શિબિરનું સંચાલન કરતા કપિલમુનિદાસજીએ જણાવ્યું હતું. ભુજ મંદિરના
મહંત ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવતજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, આદિ વરિષ્ઠ સંતોમાં હરિદાસજી,
કેશવજીવનદાસજી, પુરુષોત્તમ સ્વરૂપદાસજી,
બાલકૃષ્ણદાસજી, દેવપ્રકાશદાસજી, નારાયણમુનિદાસજી, વિશ્વપ્રકાશદાસજી, લક્ષ્મીપ્રસાદદાસજી, ગોલોકવિહારીદાસજી, નીલકંઠ ચરણદાસજી, કૃષ્ણસ્વરૂપદાસજી, મુક્તવલ્લભદાસજી, અક્ષરપ્રિયદાસજી આદિ સંતો ઉપસ્થિત રહ્યા
હતા. આ શિબિરનો 3000થી વધારે દેશ-વિદેશના યુવાનો લાભ લઈ રહ્યા છે, જેમાં ભારત, તાંઝાનિયા, યુગાન્ડા,
યુ.કે. વિ. જેવાં સ્થળોથી યુવાનોને મંદિરના સંતો ભારતીય સનાતન સંસ્કૃતિના
સંસ્કારોને મજબૂત બનાવવા અલગ-અલગ વિષયો પર પોતાનું વકતવ્ય આપતા હોય છે. આયોજન તથા સંચાલન
કપિલમુનિદાસજી તથા હરિસ્વરૂપદાસજી કરી રહ્યા છે, જ્યારે કચ્છ
નરનારાયણ દેવ યુવક-યુવતી અને મહિલા મંડળ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.