• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

પચ્છમની પાણી સમસ્યા ઉકેલવા ચેકડેમ-બંધારાનું નિર્માણ કરો

સુમરાપોર, તા. 8 : ભુજ તાલુકાનાં સરહદી-પચ્છમ વિસ્તારની પાણીની કાયમી સમસ્યા માનસિક પીડાની જેમ લોકોને કોરી ખાઇ રહી છે. પચ્છમ બન્ની માટે પાણી યોજના તો હાથ ધરાઇ પણ મોટા ભાગની યોજના કારગર નીવડી નથી જેથી દર વર્ષે પાણીની પારાયણ સર્જાય છે. પચ્છમનું વરસાદમાં  વહી જતું પાણી અટકે તો જ આ પાણીની કાયમી પીડા ઉકેલાય તેમ હોવાનું આ વિસ્તસારના વડીલો કહી રહ્યા છે. પચ્છમમાં નાની સિંચાઇના ડેમો આજુબાજુનાં ગામડાંઓ માટે આશીર્વાદરૂપ છે. આવા ડેમો પૈકીમાંથી નાની-મોટી સિંચાઇ પણ થઇ રહી છે. જ્યારે આ ડેમો સુકાઇ જાય ત્યારે ડેમનાં તળિયાં તેમજ હેઠવાસમાં નાના-મોટા વીરડાઓમાં ખોદકામ કરી લોકો પાણીની તરસ બુઝાવે છે અને આજુબાજુના વિસ્તારના આવા ડેમો થકી પાણી સ્રોત -તળ પણ ઉપર આવી જાય છે જેથી વીરડાઓમાં પીવા માટે પાણી પુષ્કળ મળી રહે છે. જો આવા નાના સિંચાઇના ડેમો બનાવવા પર પાણી પુરવઠા બોર્ડ અને તંત્ર યોગ્ય નિર્ણય લે તો આવા ડેમો બનાવ્યાની સાઇટોની પચ્છમમાં કમી નથી. સારામાં સારા ચેકડેમો બની રહે અને પચ્છમની પાણીની કાયમી તરસ બુઝાવે એવી અનેક સાઇટો-જગ્યાઓ-વહેણો ઉપલબ્ધ છે. દર વર્ષે કાળા ડુંગરમાં ઘાસ પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં પાણીના અભાવે નાછૂટકે માલધારીઓને હિજરત કરવાનો વારો આવે છે. જો પચ્છમના ગામડાંઓમાં બોર્ડર એરિયાની ગ્રાન્ટોની રકમથી નાના-મોટા ચેકડેમોનું જ નિર્માણ કરવામાં આવે તો પચ્છમના પાતાળમાં પાણી-પાણી થઇ જાય તેમ છે. કાળા અને ગોરા ડુંગરથી વિશાળ મહાકાય મોટી નદીઓ છે જેથી વરસાદી પાણી આ મોટી નદીઓના વહેણ મારફતે વહી હજારો માઇલ ખારા રણપટમાં જઇ બિનઉપયોગી બની વ્યર્થ જાય છે. આ લાખો-કરોડો કયુસેક પાલર પાણી બિનઉપયોગી બની સફેદ રણમાં ભળી મીઠાં (નમક)માં ફેરવાઇ જાય છે. આ પાણી રોકવાના વિકલ્પની કોઇ કમી નથી, છતાં દર વર્ષે પાણીનાં એક-એક ટીપાં માટે તરસીને લોકો હાડમારી ભોગવે છે. આ વહી જતું પાલર પાણી જળાશયરૂપી બંધારા મારફતે અટકાવાય તો કાયમી પાણી માટે વલખાં મારીને તડપતી પચ્છમની પ્રજા માટે કાયમી પાણીની પીડામાં મુક્તિ મળે અને હિજરતી વણઝાર પણ અટકે તેવું આ વિસ્તારના જાગૃત નાગરિકો કરી રહ્યા છે. 

Panchang

dd