ગાંધીધામ, તા. 8 : કંડલા મહાબંદર અને
કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના કારણે કંડલા સંકુલમાં પોર્ટ આધારિત ઉદ્યોગો ધમધમી
રહ્યા છે અને હવે મુંદરા પોર્ટ અને ઔદ્યોગિકીકરણ બાદ કચ્છમાં ભારે વાહનોની અવર-જવર પણ હજારોની સંખ્યામાં પહોંચી છે. આ ઉપરાંત પોર્ટ આધારિત મહાકાય પ્રકલ્પો પણ આવી રહ્યા છે, ત્યારે પ્રવર્તમાન રસ્તાની માળખાકીય વ્યવસ્થા
ભારે ટૂંકી પડશે. આ સામે કચ્છ-સૌરાષ્ટ્ર માટે અત્યંત ટૂંકું અંતર
થાય તેવા સમુદ્રી માર્ગ માટે સમયાંતરે રજૂઆતો થઈ છે. આ માર્ગ માટે
કચ્છના પ્રભારીમંત્રીએ વ્યાયામ આદર્યો છે. રાજ્યના શ્રમમંત્રી અને કચ્છના પ્રભારી
કાંતિભાઈ અમૃતિયાએ નવલખી બંદરના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી . નવલખી અને કંડલા વચ્ચે
સંભવિત સમુદ્રી સેતુનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ક્યાં અને કઈ રીતે સાકાર થઈ શકે
તેની જાતમાહિતી મેળવી હતી. કચ્છમિત્ર સાથેની વાતચીતમાં પ્રભારીમંત્રીએ આ પ્રકલ્પને ભવિષ્યમાં
કઈ રીતે આગળ વધારી શકાય તે દિશામાં કાર્યવાહી કરાશે, તેવું તેમણે
જણાવ્યું હતું. કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આ
પ્રકલ્પ મહત્ત્વનો હોવાનું તેમણે જણાવ્યું
હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કંડલા-નવલખી સી લિંક પ્રોજેક્ટ માટે દાયકાઓથી રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે.
આ મામલે ગાંધીધામના પૂર્વ નગરસેવક જે.પી. મહેશ્વરીએ આ માર્ગ અંગે કેન્દ્ર અને રાજ્યસ્તરે
રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત કંડલા પોર્ટ દ્વારા પણ સમુદ્ર સેતુ અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં
આવ્યો હતો. આર્કિટેક્ચર એન્જિનીયર કે.એમ. ઠક્કર
દ્વારા આ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તેમણે જે-તે સમયે તૈયાર કરેલા રિપોર્ટ મુજબ કંડલા પોર્ટની છેલ્લી ઓઈલ જેટીથી સતસેડા બેટ સુધી સી લિંક, સતસેડા બેટથી ઓવરબ્રિજ
અને સૂરજબારી હડકિયાની ખાડીમાં સી લિંક સહિત 25 કિલોમીટરનો બ્રિજ બનાવવાની
દરખાસ્ત મૂકી હતી, જેથી રાજકોટ,
નવલખી, મોરબી, જામનગર,
વાડીનાર સહિતના બંદરો અને કચ્છ વચ્ચેના અંતરમાં ધરખમ ઘટાડો થઈ શકે. જે-તે
સમયે આ પ્રકલ્પની કિંમત અંદાજે 6500 કરોડ વર્ષ 2017માં દર્શાવી હતી. જો કે, અત્યારે આ પ્રોજેક્ટની કોસ્ટ 18 હજાર કરોડને આંબે તેવી શક્યતા
છે. આ માર્ગ મુદ્દે કચ્છની વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર સહિતનાએ પણ વડાપ્રધાન સમક્ષ આ મુદ્દે રજૂઆતો કરી કચ્છ માટે
મહત્ત્વના આ પ્રકલ્પને સાકાર કરવા માંગ કરી
છે. હાલ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સામખિયાળીથી
માળિયા સુધી 8 લેનનો પ્રોજેક્ટ
હાથ ધરાયો છે. આગામી વર્ષ 2027માં ડીપી
વર્લ્ડ તુણા ખાતે ધમધમતું થઈ ગયા બાદ કચ્છમાં વાહનોની સંખ્યા અનેકગણી થઈ જશે. આ ઉપરાંત
ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા માંડવી તાલુકામાં
પણ એક પોર્ટ મંજૂર કરાયો છે, તેનો પણ ટ્રાફિક સામખિયાળી સુધી તો આવશે જ, જો આ પ્રકલ્પ નજીકના ભવિષ્યમાં પણ મંજૂર થાય અને સમયસર પર્યાવરણીય મંજૂરી મળે તો પણ પાંચેક વર્ષમાં
આ પ્રોજેક્ટ તૈયાર થાય તેમ છે. કચ્છના ભાવિ ઔદ્યોગિક વિકાસને ધ્યાને લેતાં આ દિશામાં
ત્વરીત કાર્યવાહી કરાય તે સમયોચીત માંગ છે, નહીં તો કચ્છ સુધી
પહોંચવું જ મહામુશ્કેલીભર્યું બનશે,
તેવી ભીતિ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. - સમુદ્રી સેતુમાં
એક કિલોમીટરના ખર્ચનો અંદાજ 600 કરોડ : ગાંધીધામ, તા. 8 : કંડલા-નવલખી
સમુદ્રી સેતુ યોજના મંજૂર થાય અને આકાર પામે
તો તેનો ખર્ચ અગાઉના અંદાજ કરતાં બમણો થઈ જાય
તેમ છે. ઓવરબ્રિજની સરખામણીએ સમુદ્ર સેતુમાં ખર્ચ ત્રણગણો વધી જાય છે. એક કિલોમીટર
દીઠ વર્તમાન સમયમાં 600 કરોડ જેટલો
ખર્ચ નિર્માણમાં લાગે તેવું આર્કિટેક ઈજનેર શ્રી ઠક્કરે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય
કે, પહેલાં કચ્છ વાયા રાધનપુર થઈને આવવું પડતું
હતું. ત્યાર બાદ સૂરજબારી પુલ નિર્માણ પામ્યો, તો કચ્છનું અંતર
વધ્યું તો હવે વર્ષ 2026માં અંતર ઘટાડવા માટે નવો સી લિંક પ્રોજેક્ટ સમયની માંગ
છે.