• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

કોટડા (જ.)નાં ઘરમાંના થેલામાંથી રોકડ-દાગીના ચોરનારા જબ્બે

ભુજ / નખત્રાણા, તા. 8 : નખત્રાણા તાલુકાના કોટડા (જ.)માં વડીલ દંપતીના ઘરમાં રાખેલા થેલામાંથી રોકડા રૂા. 40,000 અને ચાંદીના દાગીના કિં. રૂા. 96,500ની થેલીઓની રાત વચ્ચે ઉઠાંતરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. દરમ્યાન, નખત્રાણા પોલીસે આ કામના બે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. આ અંગે ગઇકાલે નખત્રાણા પોલીસ મથકે, 81 વર્ષીય વડીલ અને ગામમાં વાસણની છૂટક વેચાણની દુકાન ચલાવતા વિશનજીભાઇ હરિરામભાઇ કંસારાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ઘરે સંતાન ન હોવાથી રોકડા અને દાગીના સાથે રાખતા હતા. ગત તા. 3-9ના રાત્રે દુકાન બંધ કરી તેમની સાથેના મોટા થેલામાં રોકડ તથા દાગીનાની થેલીઓ તેમાં નાખી ઘરે લઇ જઇ રૂમમાં ખુરશી ઉપર રાખી દીધો હતો. બીજા દિવસે સવારે ઊઠીને જોતાં આ મોટા થેલામાંથી રોકડ તથા દાગીનાવાળી થેલીઓ હતી નહીં. ફરિયાદીએ પોતાની રીતે તપાસ કરી પરંતુ કયાંય જોવા મળી નહીં. આમ રાત વચ્ચે રોકડા રૂા. 40,000 તેમજ દાગીના ચાંદીની ચાર અને બે બંગડી, ચાંદીના ત્રણ કડા અને એક પોંચી, બે ચાંદીની ચેઇન એમ કુલ્લે રૂા. 96,500ના ચાંદીના દાગીના સહિત કુલ્લે રૂા. 1,36,500ના મુદ્દામાલની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો હતો. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતાં આ કામના ગામના જ બે આરોપી આરીફ ઓસમાણ કાઠી અને મામદ ઇબ્રાહીમ જાગોરાને નખત્રાણા પોલીસે ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. આ કામગીરીમાં પી.આઇ. એ. એમ. પટેલની સૂચનાથી એ.એસ.આઇ. સબીરઅલી બાયડ, હે.કો. જશરાજ ચારણ, મોહનલાલ આહીર, મોહનલાલ ગઢવી જોડાયા હતા. 

Panchang

dd