• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

પશુઓને બચાવવા અંતે લખપતમાંથી હિજરત શરૂ

દયાપર/માતાના મઢ (તા. લખપત), તા. 8 : લખપત તાલુકામાં તો ચોમાસાની સિઝનમાં સાવ વરસાદ નહીં થતાં પશુપાલનના વ્યવસાય પર નભતા માલધારીઓ ઉપર મોટી આફત આવી પડી છે. એકબાજુ સીમાડામાં ઘાસ નથી, બીજી બાજુ સરકારી ઘાસ ડેપો દૂર-દૂરના વિસ્તારોમાં શરૂ થતાં ઘાસના ભાવ કરતાં વાહનોનાં ભાડાં વધી જતાં હોવાથી દુષ્કાળ ડેલીએ આવીને ઊભો રહી જતાં હવે પોતાનાં પશુધનને બચાવવા પશુપાલકોએ બહારના જિલ્લાઓમાં હિજરત શરૂ કરી દેતાં મોટો ચિંતાનો વિષય ઊભો થયો છે. તો ઘાસ-પાણી ખૂટતાં પશુઓને સુરેન્દ્રનગર લઇ જવા માલધારીઓ નીકળી ગયા છે. છેલ્લા બે માસથી આભ સામે મીટ માંડીને વરસાદની રાહ જોનારા પશુપાલકો-ખેડૂતોની આંખો ધૂંધળી બની છે. ગામેગામ તળાવના તળ સૂકાઇ ચૂક્યા છે. 3થી 8 એમ.એમ. જેટલો વરસાદ અહીં નોંધાયો છે. આવી વિકટ સ્થિતિમાં અહીં ઊગેલું ઘાસ તણખલા સમાન છે. પીવાના પાણી તથા ઘાસચારાના આ સંકટથી પશુપાલકો-ખેડૂતો લાચાર બન્યા છે. અહીં હજારો હેક્ટરમાં ખેડૂતોએ કુપિયત ભૂતડી, એરંડા તેમજ રામમોલની વાવણી કરી હતી. આ મોલ હવે ઓક્સિજન પર છે. અહીં ગૌવંશના ભૂખ્ય પેટના ભાંભરણાનો અવાજ દયનીય રીતે સંભળાઇ રહ્યો છે. ચામરો, મકરાઇ, ભેખડા, છેલાવાંઢના માલધારીઓ કહી રહ્યા છે કે, પશુધનને બચાવવા હિજરત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચ્યો નથી. આજથી અહીંના માલધારીઓએ હિજરત શરૂ કરી દીધી હતી. આ હિજરતમાં પોતાના બાળકો સહિત હિજરત માટે નીકળ્યા છીએ તેવું આરબ જત સહિતના પશુપાલકો જણાવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ સમયમાં હિજરત ન કરીએ તો ભૂખના કારણે ઢોર નબળા થઇ જશે અને તેઓથી આ કપરો પંથ કપાશે નહીં. હિજરતના કારણે બાળકોનું ભણતર પણ અટકશે એવી સ્થિતિ અહીં નિર્માણ પામી છે. લખપત તાલુકાની વાત કરીએ, તો આ તાલુકામાં 93 ગામ આવેલાં છે, જેમાં બરંદા, માતાના મઢ, કૈયારી, પ્રાણપર તથા દયાપર ખાતે સરકાર તરફથી ઘાસડેપો ખોલવામાં આવ્યા છે. આ પાંચ ઘાસડેપો ઉપર અત્યાર સુધી માત્ર અંદાજે બે લાખ કિલો સૂકું ઘાસ બે રૂપિયા કિલોના ભાવે પશુપાલકોને આપવામાં આવ્યું છે. અહીં તાલુકામાં દોઢ લાખથી વધુનું પશુધન આવેલું છે. સરકારે રોજના ચાર કિલો આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ રોજની છ લાખ કિલો ઘાસની ખપત છે. તેની સામે સરકારી ઘાસ આજ દિવસ સુધી માત્ર બે લાખ કિલોનું વિતરણ રાહતભાવે કરાયું છે. અપૂરતો ઘાસડેપો, અપૂરતા ઘાસ વિતરણથી પશુપાલકો અકળાયા છે તેવી પણ ફરિયાદો ઊઠી હતી. એક ઘાસડેપો ઉપર 20 ગામ-વાંઢનો સમાવેશ કરાયો છે તે વિતરણ વ્યવસ્થા યોગ્ય નથી. 33 ગ્રામ પંચાયત અહીં આવેલી છે. દર ગ્રામ પંચાયત દીઠ એક ઘાસડેપો અને ઘાસનો પૂરતો જથ્થો હોવો જોઇએ, એવું પશુપાલકો જણાવી રહ્યા છે. દા.ત. આશાપર ગામના પશુપાલકે ઘાસ લેવા માતાના મઢ જવું પડે છે. અપૂરતા ઘાસના કારણે તેને એક ગાંસડી રાહતભાવે મળે છે, પણ તે ઘાસની ગાંસડી મઢથી આશાપર પહોંચાડવાનું ટ્રાન્સપોર્ટિંગ ભાડું 500 રૂપિયા થાય છે. બીજું એક ગાંસડી માટે પશુપાલકનો અડધો દિવસ બગડે છે. આનો સરવાળો માંડતાં પશુપાલકને આ 80 કિલોની ગાંસડી મોંઘી પડી રહી છે તેવી રાડ ઊભી થઇ છે. - સુરેન્દ્રનગર તરફ જવા માલધારીઓ રવાના થયા : દયાપર (તા. લખપત), તા. 8 : દુષ્કાળની પરિસ્થિતિ વિકટ બની છે. લખપતના સીમતળમાં ઘાસ-પાણી ખૂટતાં પશુઓ સવારે જાય અને સાંજે ભૂખ્યા પેટે ઘરે આવે છે. સરકારી ઘાસ વિતરણ પુન: શરૂ તો થયું પણ અપૂરતા જથ્થાના કારણે પશુઓ ભૂખે મરે છે. સરકારનો પાંચ પશુ માટેનો નિયમ જેમની પાસે 50થી વધુ પશુ હોય તો તેના માટે શ્રાપિત સાબિત થયો છે. ભેખડા, છેલાવાંઢ ગામના માલધારીઓએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી વાહનોમાં પશુઓ ભરી જતા માલધારીઓને પોલીસ કે ટોલ નાકાવાળા અટકાવે નહીં કે અટકાયત કરે નહીં તેવો હુકમ કરવા માગણી કરી હતી. માલધારીઓ મોટી ટ્રકોમાં ભરી સુરેન્દ્રનગર, લીંબડી, પટણી વિસ્તારમાં જઇ રહ્યા છે. ઘાસચારો અને પાણી ખૂટતાં નાછૂટકે વતનને છોડી નાના છોકરાઓને પણ સાથે લઇ પરિવારો ત્યાં જશે. બીજીબાજુ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા હુશેન રાયમાએ જીએમડીસીના વહીવટી નિયામકને પત્ર લખી લખપત તાલુકામાં સી.એસ.આર. યોજના અંતર્ગત પશુઓને બચાવવા આગળ આવે તેવી માંગ કરી હતી. 

Panchang

dd