મુંબઈ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુંબઈમાં
રહીને કચ્છી-ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ-સંસ્કારનાં જતન માટે ભેખ લેનાર ગુજરાતી સમાજના
લોકપ્રિય સમાજસેવક હેમરાજભાઈ લાંબી માંદગી બાદ આજે બપોરે પ્રભાદેવી ખાતેના નિવાસે અંતિમ
શ્વાસ લઈને સૌને અલવિદા કરી ગયા છે. તેઓ 86 વર્ષના હતા. મૂળ સામખિયાળીના હેમરાજ શાહની છ દાયકાની યશસ્વી
કારકિર્દીનો લાભ માત્ર ગુજરાતી સમાજને જ મળ્યો એવું નથી. મહારાષ્ટ્રીયન લાભાર્થી પણ
હતા. એમની રાજકીય નેતાગીરી અને સંપર્કનો લાભ કોઈ ભેદભાવ વિના સમાજને મળ્યો. ગુજરાતી
ભાષાના ઊગતા કવિઓ અને લેખકોને પ્રોત્સાહિત કર્યા,
ગિરનાર એવોર્ડ અને કચ્છશક્તિ એવોર્ડ માટે યોગ્ય પાત્ર દેશ અને દુનિયાના
ખૂણે ખૂણેથી શોધીને એમને બિરદાવ્યા. કચ્છશક્તિ એવોર્ડના છેલ્લા ફંક્શનમાં તેઓ હોસ્પિટલમાંથી
વ્હીલચેર પર આવ્યા હતા અને છેલ્લે સુધી બેઠા હતા. કચ્છમાં સારો વરસાદ થાય અને હેમરાજભાઈ હમીરસર તળાવ છલકાય એ નિમિત્તે મુંબઈમાં
`મેઘલાડુ'
ઉત્સવ ઊજવતા. મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય અકાદમી સૌપ્રથમ એમણે શરૂ
કરાવી અને તેના કાર્યાધ્યક્ષ તરીકે એમણે ગુજરાતી ભાષા અને સાહિત્યને આપેલી સેવા ક્યારેય
ભુલાશે નહીં. છેલ્લા થોડા મહિનાઓથી તેઓ બીમાર હતા. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પરિવાર
સાથે શેષજીવન વીતાવ્યું. એમના બે પુત્ર ઉદયભાઈ અને અરવિંદભાઈએ સેવા શુશ્રૂષા કરી. હેમરાજભાઈની
વિદાયથી એમના પરિવાર ઉપરાંત એમના પ્રિય ચાહકો, સમર્થકો અને લાભાર્થીઓ
ગમગીન છે. હેમરાજભાઈ સાથે ગુજરાતી અને ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે જે સેવા આપી
તે કદી ભુલાશે નહીં. આપને સો-સો સલામ અને વંદન. પ્રભાદેવીમાં લોઈડ ગાર્ડનથી સ્મશાનયાત્રા
આજે સાંજે છ વાગ્યે નીકળી હતી, જે ચૈત્યભૂમિ પાસેની ઈલેક્ટ્રિક
સ્મશાનભૂમિમાં પહોંચી હતી જ્યાં અંતિમસંસ્કાર કરાયા હતા. સ્વ. હેમરાજ શાહના નશ્વર દેહના
દર્શનાર્થે આસિતકુમાર મોદી, તુકારામ મુંઢે, સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી સંજય ખંડારે, ઈલેક્શન કમિશનર
દિનેશ વાઘમારે, વિધાનસભ્યો મહેશ સાવંત, પ્રકાશ સૂર્યે તેમ જ જીતુભાઈ મહેતા વગેરે આવી પહોંચ્યા હતા.