ભુજ, તા. 8 : ગઇકાલે સાંજે શહેરના નવી રાવલવાડી
બાજુના હરસિદ્ધિનગરમાં પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં છરીના એક કરતાં વધુ ઘા મારી હત્યાનો
પ્રયાસ થયો હતો. છોડાવા જતાં ભાઇને પણ હાથમાં છરી લાગી હતી. એલસીબીએ બનાવના ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવ
અંગે એ-ડિવિઝન પોલીસ મથકે, હરસિદ્ધિનગર
નવી રાવલવાડી, રડાર કોલોનીના ખૂણા પાસે રહેતા રિક્ષાચાલક એવા
55 વર્ષીય ભાવુભા વિશનજી રાઠોડે
નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની બાજુમાં જ તેમનો નાનો ભાઇ હિંમતસિંહ રહે છે. તા. 7-9ના સાંજે ફરિયાદીને હિંમતસિંહે
જણાવ્યું કે, ગઇકાલે મારા દીકરા નિયાંશસિંહને
પડોશી શિવમ સોલંકીએ કારણ વગર ગાળો આપી હતી. હું તેને પૂછવા જાઉં છું મારા દીકરાને શા
માટે ગાળો આપી અને શિવમ તથા હિંમતસિંહ વચ્ચે બોલાચાલી થઇ હતી. શિવમે ગાળો આપતાં તેને
ગાળ આપવાની ના પાડતાં શિવમે ઉશ્કેરાઇ હિંમતસિંહ સાથે ઝપાઝપી કરી હતી અને શિવમે ભેઠમાંથી
છરી કાઢી કહ્યું કે, આજે તને મારી નાખીશ અને છરીના ઘા આડેધડ માર્યા
હતા. ફરિયાદી ભાવુભા છોડાવા વચ્ચે પડી છરી પકડી લેતાં હથેડીના ભાગે છરી લાગી હતી. ઇજાનાં
પગલે બન્ને ભાઇને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હિંમતસિંહને મારી
નાખવાના ઇરાદે પાંસળી, કમર અને પીઠના ભાગે છરીના ઘા માર્યાનું
ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે આરોપી વિરુદ્ધ ગુનો
દાખલ કર્યો હતો. દરમ્યાન એલસીબીએ આ હત્યાના પ્રયાસના બનાવમાં ગણતરીના કલાકોમાં જ આરોપી
શિવમ ભાવેશભાઇ સોલંકી (ઉ.વ. 22)ને ઝડપી આગળની કાર્યવાહી અર્થે એ -ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.
આ કામગીરીમાં પીઆઇ એ.એમ. મકવાણા, પીએસઆઇ
જે.બી. જાદવ, એમ.એચ. શિણોલ, એએસઆઇ નીલેશભાઇ
ભટ્ટ, સુનીલભાઇ પરમાર તથા હેકો. જયદેવસિંહ જાડેજા જોડાયા હતા.